Get The App

ટ્રમ્પ અંગે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! જાણો જ્યોતિષે શું આગાહી કરી હતી?

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પ અંગે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! જાણો જ્યોતિષે શું આગાહી કરી હતી? 1 - image


Prophecy on Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના રોજ સોમવારે બપોરે 12:01 વાગ્યે વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવીને ફરી એકવાર જીત મેળવી હતી. ટ્રમ્પની જીત સાથે જ તમામ રાજકીય ચર્ચા વચ્ચે જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી એક પછી એક સાચી પડી રહી છે. ચાલો, આ આગાહી વિસ્તૃત રીતે સમજીએ. 

ચંદ્રની યુતિ લોકચાહના ઘટાડે એવું પણ બની શકે છે!

ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા તે દિવસ અને સમય અનુસાર અમદાવાદના જ્યોતિષ ડૉ. હેમીલ પી. લાઠીયાએ ટ્રમ્પની શપથ કુંડળી બનાવીને અમુક આગાહી કરી હતી. જે ‘ગુજરાત સમાચાર’ના ડિજિટલ પ્લેટફોર્મ પર 21 જાન્યુઆરી 2025ના રોજ પ્રકાશિત કરાઈ હતી. 20 જાન્યુઆરી 2025ના રોજ 24:40 વાગ્યાના સમય મુજબ જ્યોતિષે ગણતરીઓ કરીને ટ્રમ્પને લઈને કેટલીક આગાહીઓ કરી હતી. 

આ આગાહી મુજબ ટ્રમ્પનો કાર્યકાળ મજબૂત અને જુસ્સાભર્યો હતો, પરંતુ કુંડળીમાં ચંદ્ર કેતુ સાથે અને નવમાંશમાં રાહુ સાથે યુતિ કરે છે. આ યોગ ચંદ્ર પ્રજાની ચાહના બતાવે છે, જે મુજબ પ્રજા તરફથી ધીરે ધીરે ચાહના ઘટતી જાય તેવું બની શકે છે. હવે એવું બની પણ રહ્યું છે. શરુઆતમાં ટ્ર્મ્પે લીધેલા નિર્ણયોથી તેમને અમેરિકામાં ભારે લોકચાહના મળી, પરંતુ સમય જતાં એ ફુગ્ગો ફૂટી ગયો અને તેમની લોકપ્રિયતા ઘટી. હાલમાં જ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકા અને દુનિયાના અનેક દેશોમાં ફાટી નીકળેલો વિરોધ તેની સાબિતી છે. 

શપથ કુંડળીનો મંગળ ટ્રમ્પને વિદેશ નીતિમાં ધાર્યું કરાવશે 

મંગળ નીચનો અને વર્ગોત્તમી ઉપરાંત નક્ષત્રનો માલિક છે, જે આપખુદ અને કડક નિર્ણયો વધુ લે. શપથ કુંડળીમાં બારમા સ્થાનનો માલિક પણ છે, જે વિદેશી બાબતો દર્શાવે છે. એટલે કે ટ્રમ્પ વિદેશ નીતિમાં તેમનું ધાર્યું કરશે. ટ્રમ્પે કડક નિર્ણય લઈને અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરવાનું અભિયાન શરુ કર્યું છે. 

આ ઉપરાંત ટ્રમ્પે 180 દેશ પર ટેરિફ પણ લાદી દીધો છે. આ ઉપરાંત BRICS અને G7 દેશો તેમજ અન્ય દેશોના સંગઠનોને પણ ટ્રમ્પ ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે. ભારત, ચીન અને યુરોપિયન દેશો સાથે ટેરિફ સહિતના મુદ્દે પણ તેઓ બેફામ નિવેદનો આપી રહ્યા છે.

આ કારણસર અનેક દેશો સાથે અમેરિકાના સબંધોમાં ખટાશ અને ખટરાગ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પ મિત્ર દેશોને પણ દુશ્મન બનાવી રહ્યા છે. જેમ કે, ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવીને વિવાદનો મધપૂડો છંછેડી ચૂક્યા છે. તેઓ ગ્રીનલૅન્ડને પણ અમેરિકામાં સમાવવા આતુર છે. આ તમામ મુદ્દા ટ્રમ્પ વિશે કરાયેલી આગાહી સાચી પુરવાર થઈ રહી હોવાના પુરાવા છે. 

મંગળ કરાવે છે અમંગળ, જે ટ્રમ્પને પણ લાગુ પડી રહ્યું છે

અન્ય એક આગાહી હતી કે ટ્રમ્પ ક્યાંક કોઈ યુદ્ધ બાબતમાં પણ પોતાનું ધાર્યું કરશે. રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ અને બંને દેશ વચ્ચે સમાધાનની વાત વચ્ચે અંતર ઘટવાને બદલે વધી ગયું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવીને સમાધાનના નામે તેમનું અપમાન કર્યું અને મામલો વધુ ગરમાઈ ગયો. બીજી તરફ ઈઝરાયલનું સમર્થન સહિતના મુદ્દે ઊભો થયેલો તણાવ પણ સૌ કોઈ જાણે છે. આ સાથે તાજેતરમાં હૂથી બળવાખોરો પર કરાયેલા હુમલાની ઘટનાને પણ લોકો જાણે છે. આમ, આગાહી પ્રમાણે ટ્રમ્પ યુદ્ધ વિષયક બાબતોમાં પણ ધાર્યું કરશે, એ વાતના અનેક પુરાવા છે. 

ટ્રમ્પ કાયદાકીય મુશ્કેલીમાં સપડાઈ જવાની આગાહી

જ્યોતિષીની આગાહી પ્રમાણે ટ્રમ્પ સરકાર વર્ષ 2025-26માં અનેક ઉતાર-ચઢાવની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે. એવી પણ આગાહી છે કે, ટ્રમ્પ કાયદાકીય મુશ્કેલીમાં સપડાઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રમ્પના આપખુદ અને મનફાવે તેમ લીધેલા નિર્ણયોથી આ વાતના પણ સંકેત મળી રહ્યા છે. વિચાર્યા વિના લીધેલા નિર્ણયોથી ટ્રમ્પ સામે વિરોધનો વંટોળ અન્ય દેશોની સાથે અમેરિકામાં પણ ઊભો થયો છે. કેટલાક બેફામ નિર્ણયો સામે તો અમેરિકાની રાજ્ય સરકારોએ કોર્ટ કેસ પણ કર્યા છે, જેમાં ટ્રમ્પ સરકાર લપડાક પણ ખાઈ ચૂકી છે.

Tags :