નવી દિલ્હી,૩૦ ડિસેમ્બર,૨૦૨૫,મંગળવાર
કાશ્મીર મુદ્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા વર્ષ ૨૦૨૬માં યુધ્ધ થવાની શકયતા છે. અમેરિકી વિદેશનીતિ વિશેષજ્ઞાની સર્વે કરનારી થિંક ટેંકે જણાવ્યું છે કે ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં બદલાઇ શકે છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સે સશસ્ત્ર સંઘર્ષની શકયતાને નકારી નથી એટલું જ નહી આ સંઘર્ષની અમેરિકાના હિતો પર પણ અસર પડી શકે છે. સીએફઆરે પોતાની 'કોન્ફિલકટ્સ ટુ વોચ' માં ઉલ્લેખ કર્યો છે. પહેલગામ હુમલા પછી ગત મે મહિનામાં ભારતે સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉડાવ્યા હતા.
પાકિસ્તાને સંઘર્ષવિરામની અપીલ કરી હતી પરંતુ હવે પાકિસ્તાની સેના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સેજના અસીમ મુનિરના નેતૃત્વ હેઠળ ઉશ્કેરણી જનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક જાસુસી અહેવાલો અનુસાર જમ્મુ ક્ષેત્રમાં ૩૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. પાકિસ્તાને ગેર કાયદેસર પચાવી પાડેલા પીઓકે વિસ્તારમાં આતંકી લોંચ પેડ ફરી સક્રિય કરી દીધા છે. આ લોંચપેડોની આડમાં અનેક આંતકીઓ ભારતમાં ઘૂસવાની તૈયારી કરી રહયા છે. બંને દેશો તરફથી સંરક્ષણ શસ્ત્રો ખરીદવામાં પણ હોડ જામી છે.
ભારતે હાલમાં જ ડ્રોન અને હવાથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલો, ગાઇડેડ બોંબની ખરીદી માટે ૭૯૦૦૦ કરોડ રુપિયાના સંરક્ષણ સોદાને મંજુરી આપી છે. પાકિસ્તાન પણ ઓપરેશન સિંદુર અંર્તગત પોતાની ખામીઓ દૂર કરવા પ્રયાસ કરી રહયું છે. મુખ્યતો ચીન અને તુર્કી પાસેથી શસ્ત્રો ખરીદ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબજ તંગ રહયા છે. છેલ્લા ૭૫ વર્ષમાં અનેક વાર યુધ્ધો થયા છે જેમાં પાકિસ્તાનને પરાજય સહન કરવો પડયો છે.


