Get The App

તુર્કીના મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવા મામલે સામે આવ્યું પોપનું નિવેદન

UNESCOના કહેવા પ્રમાણે તેમની વિશ્વ હેરિટેજ સમિતિ હાગિયા સોફિયાની સ્થિતિની સમીક્ષા કરશે

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News
તુર્કીના મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવા મામલે સામે આવ્યું પોપનું નિવેદન 1 - image


ઈસ્તંબુલ, તા. 13 જુલાઈ 2020, સોમવાર

ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયની અનેક દેશોમાં ટીકા થઈ રહી છે ત્યારે પોપ ફ્રાન્સિસે પણ તુર્કી સરકારના આ નિર્ણય મામલે નિરાશા વ્યક્ત કરી છે. પોપના કહેવા પ્રમાણે તેઓ સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયને લઈ ખૂબ જ દુખી છે. સેન્ટર પીટર્સ સ્કેવર ખાતે સાપ્તાહિક પ્રાર્થના સભા દરમિયાન પોપે જણાવ્યું કે, 'મારૂં ધ્યાન ઈસ્તંબુલ તરફ જઈ રહ્યું છે. સેન્ટ સોફિયા અંગે વિચારીને મને ખૂબ દુખ થાય છે.'

હકીકતે આ મ્યુઝિયમ મૂળરૂપથી એક ચર્ચ હતું અને ઉસ્માનિયા સલ્તનત દરમિયાન આ ચર્ચને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1930ના દશકામાં તુર્કીમાં મસ્જિદને ફરીથી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે કોર્ટના ચુકાદા બાદ આ પ્રાચીન સ્મારકને ફરી એક વખત મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું છે અને 24 જુલાઈના રોજ તે સ્થળે પહેલી નમાજ પઢવામાં આવશે. 

વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચેજ એ એર્દોગન સમક્ષ મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનો નિર્ણય પાછો લેવાની માંગ કરી છે. આ તરફ વર્લ્ડ ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનના ઈસ્તંબુલના ધાર્મિક નેતા પૈટ્રિઆર્ક બાર્થોલોમ્યુએ પણ આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે આશરે 1,500 વર્ષ જુનુ હાગિયા સોફિયા જે કદી ચર્ચ હતું તે હવે મુસ્લિમો, ઈસાઈઓ અને વિદેશી લોકો માટે ખુલ્લુ રહેશે. એર્દોગને જણાવ્યું કે, તુર્કીએ પોતાના સાર્વભૌમત્વના અધિકાર અંતર્ગત તેને મસ્જિદમાં ફેરવ્યું છે અને આ પગલાની ટીકાને તેમના સાર્વભૌમત્વ પર હુમલા તરીકે જોવામાં આવશે. 

ગ્રીસે પણ તુર્કી સરકારના આ પગલાની ટીકા કરી છે. જ્યારે UNESCOના કહેવા પ્રમાણે તેમની વિશ્વ હેરિટેજ સમિતિ હાગિયા સોફિયાની સ્થિતિની સમીક્ષા કરશે. 

તુર્કી સરકારના આ નિર્ણયથી તેની મહત્વપૂર્ણ વૈશ્વિક સીમાઓ અને હેરિટેજને લઈ અનેક પ્રકારના સવાલો થવા લાગ્યા છે.

Tags :