- સંસદને રબ્બર-સ્ટેમ્પ બનાવવાનો તેમજ સંસદમાં વિપક્ષોનો અવાજ ગૂંગળાવવાનો સરકાર પર વિપક્ષી ગઠબંધનનો આક્ષેપ
નવીદિલ્હી/રાવલપિંડી : ઈમરાન ખાન અંગે પાકિસ્તાનમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તેઓનાં કુટુંબીજનોનો આક્ષેપ છે કે કોર્ટના આદેશ છતાં ઇમરાન ખાનનાં બહેનોને તેઓને જેલમાં મળવા નથી દેવાતાં. કેટલાકને આશંકા છે કે ઈમરાન ખાનની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધને આ મુદ્દે દેશવ્યાપી આંદોલન કરવાની ધમકી આપી છે. તેઓનાં બહેન નોરીન નિયાઝીએ કહ્યું છે કે જો તેનો વાળ પણ વાંકો થશે તો પાકિસ્તાન સળગી ઊઠશે.
ઈમરાન મુદ્દે વિરોધ પક્ષો હવે કમર કસી મેદાને પડયા છે. તેઓ પૂછે છે કે સરકાર કહે છે કે ઈમરાન ખાનની તબિયત ઘણી સારી છે તો પછી તેઓનાં બહેનોને કે વિપક્ષી નેતાઓને મળવા દેવાની ના કેમ કહેવાય છે ?
પાકિસ્તાનનું અખબાર ડૉન જણાવે છે કે પખ્તુન્વા મિલી આવામી પાર્ટીના પ્રમુખ મહેમૂદ અચકઝારીએ અન્ય વિપક્ષી નેતાઓ સાથે સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અમે હજી સિંધીઓ, બલુચો અને પશ્તુનો તથા પંજાબીઓને સડક પર ઉતરતાં રોકયા છે. નહીં તો વ્યાપક રમખાણો ફેલાઈ જઈ શકે તેમ હતાં આ સાથે તેઓએ સંસદને રબ્બર સ્ટેમ્પ બનાવી દેવાનો સરકાર પર આક્ષેપ મુકતાં કહ્યું હતું કે નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિક વિપક્ષી નેતાઓને બોલવા જ દેતા નથી. વિપક્ષોનો અવાજ ગુંગળાવવામાં આવી રહ્યો છે.


