- તેઓ ગેરકાયદે વસાહતીઓને દૂર કરશે, ભારે ટેરીફ લગાડશે, સાથી દેશો પાસે વધુ સહકાર માંગશે : યુક્રેન, ગાઝા યુદ્ધનો અંત લાવશે
ડેવોસ : અહીં મળી રહેલી વર્લ્ડ ઇકોનોમિક-ફોરમ-સમિટમાં ઇંડીયા ટુડેના ન્યૂઝ ડાયરેક્ટર રાહુલ કુનવાલને આપેલી વિશેષ મુલાકાતમાં ખ્યાતનામ રાજ્યાશાસ્ત્રી ઇયાન બ્રેમરે કહ્યું હતું કે, ગયા વખતના કાર્યકાળ કરતાં આ વખતના કાર્યકાળ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ પ્રબળ બની રહેશે. સાથે તેઓ સાથી દેશો પાસેથી વધુ સહકાર પણ માગશે.
આ પ્રમાણે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરતાં આ ખ્યાતનામ રાજ્યશાસ્ત્રીએ રાહુલ કનવારને કહ્યું હતું કે, તેઓ સૌથી પહેલાં તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા ૨ કરોડ જેટલા વસાહતીઓને દૂર કરશે. વાસ્તવમાં તેઓના ચૂંટણી પ્રચારનો આ એક સૌથી મહત્વનો મુદ્દો હતો. કારણ કે, આ ગેરકાયદે વસાહતીઓ નજીવા પગારે પણ નોકરીઓ લઇ અમેરિકાના યુવાનોની રોજી-રોટી છીનવી રહ્યા છે. આ પૈકીના ૧ કરોડને તો તેઓ તત્કાળ દેશ બહાર કાઢી મુકે તો પણ આશ્ચર્ય નહીં થાય.
ટ્રમ્પ સૌથી પહેલા કઇ પાંચ બાબતો હાથ ધરશે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે કહેવા સાથે આ ખ્યાતનામ રાજ્યશાસ્ત્રીએ કહ્યું હતું કે, તેઓ અમેરિકાના સાથી દેશો પાસેથી વધુ સહકાર પણ માગશે. ઉપરાંત અમેરિકાના વ્યાપાર ઉદ્યોગને રક્ષવા ભારે ટેરિફ પણ લગાડશે તે નિશ્ચિત છે તેવા તો તેઓના ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓ હતા. તેઓએ પ્રચાર સમયે જે કહ્યું તેનો અમલ કરશે જ.
તેઓએ વધુમાં કહ્યું કે, વાસ્તવમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ મધ્ય-પૂર્વનાં યુદ્ધોનો અંત લાવવા માંગે છે તેમાં તેઓ બીજા દેશોનો પણ તે માટે સહાકર ઇચ્છે છે. સાથે તેમ પણ ઇચ્છે છે કે અમેરિકાના મિત્ર દેશો તેઓના અર્થતંત્રને તેમજ રાજકીય નિર્ણયોને અમેરિકાનાં અર્થતંત્ર તેમજ રાજકીય નિર્ણયોને સાનુકૂળ રાખે. તે અંગે અમેરિકા સાથે વધુ સહકાર રાખે. તેઓએ તેમ પણ કહ્યું હતું કે, પહેલા કાર્યકાળ કરતાં ટ્રમ્પ આ બીજા કાર્યકાળ સમયે વધુ આદરણીય બની રહ્યા છે. જી-૭ દેશોના નેતા, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની ટ્રમ્પના શપથવિધિમાં ભાગ લેવા અમેરિકા પહોંચી ગયા છે. આવું ૨૦૧૭માં બન્યું ન હતું. તેટલું જ નહીં પરંતુ દનિયાભરના નેતાઓ, ૨૦૧૭ કરતાં આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ તરફે વધુ વળી રહ્યા છે. તેમ પણ આ ખ્યાતનામ રાજ્યાશાસ્ત્રીએ ઇંડીયા ટુડેના ન્યુઝ ડાયરેક્ટર રાહુલ કનવાલને કહ્યું હતું.


