અમેરિકા સાથેની ઐતિહાસિક વેપાર સમજૂતી , જાપાનના રાજકારણમાં ભૂકંપ, પીએમ શિગેરુ ઇશિબા ખૂરશી છોડશે

ન્યૂયોર્ક, ૨૩ જુલાઇ,૨૦૨૫,બુધવાર
અમેરિકા સાથેની ઐતિહાસિક વેપાર સમજૂતીએ જાપાનના રાજકારણમાં ભુકંપ આવ્યો છે. યુએસ સાથેની વેપાર સમજૂતી પછી જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ રાજીનામું આપ્યું હોવાની અટકળો ચાલે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇશિબાએ પોતાના ખૂબ નજીકના સહયોગીઓને જલદીથી રાજીનામું આપશે એવો સંકેત આપ્યો છે. પીએમ ઇશિબાએ સ્પષ્ટતા કરી છે તે અમેરિકા સાથે થયેલી ટેરિફ સમજૂતીનો અભ્યાસ કરીને રાજીનામાં સંબંધિત નિર્ણય લેશે.
ગત સપ્તાહના અંતમાં ચુંટણીમાં ઇશિબાની સત્તારુઢ પાર્ટીને મળેલી ઐતિહાસિક હાર પછી પદ છોડવાનું દબાણ વધી ગયું છે. ઇશિબાના પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને સહયોગી દળ 'કોમિટો એ રવીવારના રોજ ૨૪૮ સભ્યોની ઉચ્ચ સંસદમાં બહુમત ગુમાવી દીધો છે. ઇશિબાએ સોમવારે જાહેરાત કરી હતી કે અમેરિકા સાથે ટેરિફ વાર્તા સહિતના વિવિધ પડકારોનો સામનો કરવા પદ પર ચાલુ રહેશે. અમેરિકા સાથે ટેરિફ સમજૂતી પછી સંભવિત રાજીનામા માટેનો માર્ગ ખુલ્લી ગયો છે.
જાપાની મીડિયાનું માનવું છે કે ઇશિબા ઓગસ્ટ મહિનામાં પદ છોડી શકે છે. તાજેતરમાં ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવાની ધમકીઓના લીધે જાપાને અમેરિકા સાથે વ્યાપારિક સમજુતી કરવા મજબૂર થવું પડયું છે.૨૩ જુલાઇએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક ઇવેન્ટ દરમિયાન જાપાન સાથેના સૌથી મોટા વેપાર કરારની જાહેરાત કરી હતી.

આ ડીલ હેઠળ જાપાન અમેરિકામાં ૫૫૦ અબજ ડોલરનું રોકાણ કરશે અને બદલામાં ૧૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ ચુકવશે. ટ્રમ્પે આને ઇતિહાસમો સૌથી મોટો વેપાર કરાર ગણીને લાખો નોકરીઓ પેદા થવાની આશા વ્યકત કરી હતી જેનાથી ૯૦ ટકા જેટલો ફાયદો અમેરિકાને થશે. અમેરિકાને જાપાનના બજારોમાં કાર,ટ્રક, ચાવલ અને અન્ય કૃષિ ઉત્પાદનો મોકલવાની તક મળશે. જાપાને લાંબા સમયથી ચાલી આવતી અમેરિકી માંગને સ્વીકારીને ૧૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની સંમતિ આપી છે. ટ્રમ્પે જાપાન સાથેની આ ડીલને વ્યકિતગત પહેલનું પરિણામ ગણાવી હતી.
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ પણ સ્વાગત કર્યુ હતું પરંતુ ત્યાર પછી તેઓ રાજકીય કટોકટીમાં ફસાતા જણાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ સાથે જ ડીલ દબાણમાં થઇ છે કારણ કે ટ્રમ્પે પહેલા ચેતવણી આપી હતી કે ૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં સમજૂતી નહી થાય તો જાપાનના સામાન પર ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ દબાણના કારણે જ જાપાન સરકારે અમેરિકા સાથે ટેરિફ સમજૂતી કરવી પડી છે.
જાપાનની સંસદ' ડાયટ'ના ઉચ્ચ સદન 'હાફસ ઓફ કાઉંસેલર્સ'ની ૨૪૮ બેઠકોમાંથી ૧૨૪ પર રવિવાર થયેલી ચૂંટણીમાં ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) અને તેના ગઢબંધનને હાર મળી હતી. ગઠબંધને બહુમતિ જાળવી રાખવા ૫૦ નવી સીટો જીતવાની હતી પરંતુ માત્ર ૪૭ બેઠકો જ જીતી શકાઇ હતી. આ હાર એક દાયકા કરતા પણ વધુ સમયથી ચાલતા સત્તારુઢ ગઠબંધનની સૌથી મોટી હાર માનવામાં આવે છે.








