For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પોલીસ બુલડોઝર સાથે ઇમરાનના ઘરમાં ઘૂસી, એકે-47 સહિતના હથિયાર જપ્ત

Updated: Mar 18th, 2023


- ઇમરાનની કિલ્લેબંધી તોડવા 10 હજાર પોલીસનઓ કાફલો તૈનાત કરવો પડયો

- સમર્થકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણમાં અનેક ઘાયલ, લાહોર અને ઇસ્લામાબાદમાં કરફ્યૂ લાગુ કરાયો

- પરિસ્થિતિ નાજુક જણાતા અંતે કોર્ટે ઇમરાનની ધરપકડનું વોરંટ રદ કર્યું, સમર્થકો ઘવાતા ઇમરાન ગુસ્સે ભરાયા

ઇસ્લામાબાદ : તોશાખાના કેસમાં ઇસ્લામાબાદની અદાલતમાં હાજર થવા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સવારે લાહોરથી ઇસ્લામાબાદ જવા નીકળી ગયા પછી પોલીસ ઝમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને બુલડૉઝર સાથે પહોચી ગઈ હતી. તેણે ખાનના બંગલાની બહાર રહેલી બેરીકેટ હટાવી, ગેટ તોડી અંદર ધસી ગઈ હતી ત્યારે તેઓના બંગલાની બહાર અડ્ડો જમાવી બેઠેલા પીટીઆઇના કાર્યકરો સાથે પોલીસને ઝપાઝપી થઈ હતી અને તે પૈકીના ૨૦ કાર્યકરો તથા ઇમરાનના સમર્થકોની ધરપકડ પણ કરી હતી. જો કે, કાર્યકર્તાઓએ પોલીસનો સામનો પણ કર્યો હતો.

આ માહિતી મળતાં ઇમરાન ખાન ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, તે કાર્યવાહી સમયે બુશરા બેગમ ઘરમા એકલા જ હતા. તે સર્વવિદિત છે કે ઇમરાન ખાન ઉપર તેમને વિદેશોની મુલાકાત સમયે મળેલી ભેટો પૈકી ઘણી તોશાખાનામાં જમા કરાવી ન હતી. તેથી તેઓ ઉપર કાનુની કાર્યવાહી ચાલે છે. તેઓએ આ ગિફ્ટને બારોબાર વેચી નાખી હોવાનો તેમના પર ચૂંટણી પંચે પણ આરોપ લગાવ્યો હતો. જે બાદ ઇમરાન ખાનને કોર્ટમાં હાજર કરવા માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જોકે અંતે ઇમરાન ખાન કોર્ટમાં હાજર થઇ ગયા હતા. બીજી તરફ ભારે વિરોધ વચ્ચે કોર્ટે ઇમરાન ખાન સામેનું ધરપકડ વોરંટ રદ કરી દીધુ હતું.

દરમિયાન પોલીસ અધિકારીઓએ લાહોર તેમજ ઇસ્લામાબાદમાં પણ કલમ ૧૪૪ જાહેર કરી દીધી છે. ઇમરાનખાને ભલે તેમ કહ્યું હોય કે તે સમયે બુશરા બેગમ ઘરમાં એકલા જ હતા પરંતુ જ્યારે પોલીસે બંગલાનો ગેટ તોડી ગેરકાયદે બાંધકામો તોડી પાડવા બંગલાના કમ્પાઉન્ડમાં બુલડોઝર સાથે ઘૂસી ત્યારે તેમના બંગલામાંથી સામસામા ગોળીબારો થયા હતા અને મોટોરોલ કોકટેઇલ (પેટ્રોલ ભરેલા ઉપર લુગડાની વાટ સાથેના) 'દેશી બોમ્બ'નો પણ પોલીસે સામનો કરવો પડયો હતો તેમ પોલીસનું કહેવુ છે. ઇમરાન ખાનની ધરપકડ માટે ૧૦ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવા પડયા હતા. એવા અહેવાલો છે કે પોલીસને ઇમરાન ખાનના ઘરમાંથી પાંચ એકે-૪૭ રાઇફલ અને હજારો ગોળીઓ મળી આવી છે. જેને પોલીસે જપ્ત  કરી લીધી છે. આ એકે-૪૭ ક્યાંથી આવી તેને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે.

Gujarat