Nato Countries Fears About Russia: NATO દેશોને ભય છે કે, જો યુક્રેન સામે રશિયા જીતી ગયું તો યુરોપનો અંત આવશે. કારણકે, રશિયન સેનાનું મનોબળ યુક્રેનના સમર્થક યુરોપિયન દેશોની તુલનાએ અનેકગણું ઊંચુ સ્થાન ધરાવે છે. આ નિવેદન રશિયાનો હંમેશાથી વિરોધ કરી રહેલા પોલૅન્ડના વડાપ્રધાને આપ્યું છે.
પોલૅન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે કોપેનહેગનમાં યુરોપિયન દેશોની એક સમિટમાં કહ્યું હતુ કે, રશિયાને સૌથી મોટી જીત તેની માનસિકતા અપાવે છે. તેઓ દિલ અને મગજનો સારી રીતે ઉપયોગ કરે છે. રશિયાની સેના અન્યની તુલનાએ (NATO) અનેકગણી મજબૂતાઈ ધરાવે છે. યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી સમિટની બેઠક દરમિયાન ટસ્કે કહ્યું કે, રશિયન સેનાની આગળ યુરોપિયન દેશોનું મનોબળ નબળુ પડી રહ્યું છે.
સાયકોલૉજિકલી રશિયા જીતની સ્થિતિમાં
ટસ્કે જણાવ્યું કે, મારું કહેવું છે કે, તેઓ લડવા માટે તૈયાર છે. તે બલિદાન માટે હંમેશા તૈયાર રહે છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર પણ છે. સાયકોલૉજિકલી રશિયા યુક્રેન સામે જીતની સ્થિતિમાં છે. પશ્ચિમી દેશોની તુલનાએ રશિયાનું નેતૃત્વ મજબૂત અને નિર્ણાયક છે. યુરોપિયન દેશ કોઈપણ નિર્ણય લેવામાં વિલંબ કરી શકે છે, અને ઘણીવખત ખોટા નિર્ણય લઈ શકે છે. જ્યારે રશિયા આ મામલે હંમેશા સચોટ હોય છે. જો રશિયાએ યુક્રેનને હરાવ્યું તો તે પૂર્વીય યુરોપ તરફ આગળ વધશે.
જો યુક્રેન પર જીત્યા તો...
તેમણે કહ્યું કે, મને આ વાતમાં કોઈ શંકા નથી કે, જો રશિયાએ યુક્રેન પર જીત હાંસલ કરી તો ભવિષ્યમાં મારા દેશનો ખાતમો બોલાવી શકે છે. અને બાદમાં યુરોપ પણ ખતમ થઈ જશે. જો કે, પુતિને પોલૅન્ડના વડાપ્રધાનની આ ચિંતા દૂર કરતાં સ્પષ્ટતા આપી કે, રશિયાનો નાટો દેશ પર કોઈ પણ હુમલો કરવાની યોજના નથી. જે લોકોને ભય છે, તે ખોટો છે. તેઓ આંતરિક મામલામાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. તેથી તેઓ રશિયાના હુમલાની વાતો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે એક બાજુ અમેરિકાએ રશિયાને કાગળ પરનો વાઘ કહી રહ્યો છે. જ્યારે નાટો રશિયાની સેનાને વિશ્વની સૌથી ખતરનાક સેના તરીકે દર્શાવી રહ્યું છે. 


