તિબેટની 'આરઝી-હકુમત'ના વડાપ્રધાન ત્સેરિંગે વિદેશોમાં વસતા તિબેટી વિદ્યાર્થીઓને તિબેટનાં સ્વાતંત્ર્ય માટે કાર્યરત થવા એલાન કર્યું

- ઈતિહાસનો અભ્યાસ આપણું 'સ્વત્વ' સમજવા અનિવાર્ય છે
- ધર્મશાલામાં યોજાયેલી વિદેશોમાં વસતા તિબેટી વિદ્યાર્થીઓની પરિષદમાં દલાઈ લામાના સ્વપ્નને સાકાર કરવા વિદેશોમાં પ્રચાર કરવા તેઓને અનુરોધ કર્યો
ધર્મશાલા : બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામાના ૯૦મા જન્મદિનની ઉજવણીમાં ભાગ લેવા વિવિધ દેશોમાં વસતા ૬૦ જેટલા તિબેટી વિદ્યાર્થીઓની પરિષદને કરેલા સંબોધનમાં તિબેટની 'આરઝી-હકુમત' (ગવર્નમેન્ટ ઈન એકસાઇલ)ના વડાપ્રધાન સિક્યોંગ પેનપા ત્સેરિંગે તે વિદ્યાર્થીઓને તિબેટનો ઈતિહાસ સમજવા, આત્મસાત કરવા અને તિબેટની સાંસ્કૃતિક વિશિષ્ટતાનો અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું ઈતિહાસ આપણને આપણું 'સ્વત્વ' સમજવા માટે અનિવાર્ય છે.
'સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન' (તિબેટી મધ્યસ્થ વહીવટીતંત્ર સરકાર) જે અત્યારે ભારતમાં સક્રિય છે, તેના વડાપ્રધાન પદે ત્સેરિંગ છે. તેઓએ તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં વધુમાં કહ્યું હતું કે, 'તમારે વિદેશોમાં તિબેટના હેતુ (સ્વાતંત્ર્ય) માટે પ્રચાર કરવો જ રહ્યો સાથે કહ્યું કે, અમે ચીન-તિબેટ વિવાદ શાંતિમય રીતે ઉકલે તે માટે સતત પ્રયત્નો કરી જ રહ્યાં છીએ.'
૧૪મા દલાઈ લામાએ તિબેટના હેતુ (સ્વતંત્ર્ય) માટે કરેલા અવિરામ પ્રયત્નોની પ્રશંસા કરતા વડાપ્રધાન ત્સેરિંગે 'ભૂ-રાજકીય' પરિસ્થિતિ સમજવા તેમજ અત્યારે ચાલી રહેલાં જટિલ વૈશ્વિક રાજકારણને સમજવા તે વિદેશ સ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
તિબેટી વિદ્યાર્થીઓમાં બે જૂથો ભારત આવ્યાં છે એક જૂથ અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું છે જે તિબેટીયન ઈન્સ્ટીટયુટ ઓફ પર્ફોમિંગ આર્ટસ સાથે સંલગ્ન છે. જ્યારે બીજું જૂથ બેલ્જિયમમાંથી આવ્યું છે જે તિબેટીયન લેન્ગ્વેજ એન્ડ કલ્ચર સ્કૂલમાંથી આવ્યું છે. તે બંને જુથો ધર્મશાલામાં યોજાઈ રહેલા 'શૈક્ષણિક-સત્ર'માં ભાગ લેવા આવ્યાં છે.
ભાગ્યે જ કોઈને માહિતી હશે કે તિબેટની ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે, અને તેનું વ્યાકરણ કાશ્મીરના એક પંડિતે તૈયાર કર્યું છે. તિબેટ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક રીતે પણ ચીનથી અલગ છે.








