મહાન રાષ્ટ્ર પ્રેમી યુદ્ધમાં વિજય મેળવ્યાની 80મી જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જવાના છે
રશિયાનાં પ્રસાર માધ્યમોએ બુધવારે જણાવ્યું હતું કે મહાન રાષ્ટ્ર પ્રેમી યુદ્ધમાં વિજય મેળવ્યાની ૯મી મેના દિને આવતી ૮૦મી જયંતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે આવશે તેવી શક્યતા છે.
મે 9, 1945ના દિને સોવિયેત સંઘે હીટલરનાં સૈન્યને પરાજિત કરી પૂર્વજર્મની અને બર્લિન પર કબ્જો મેળવ્યો
આ માહિતી આપતાં રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા તાસે જણાવ્યું હતું કે તે દિવસે યોજાનારી સેરીમોનિયલ પેરેડમાં ભારતીય સૈન્યની ટુકડી પણ ભાગ લેવાની છે. તે માટે તૈયારી કરવા અને રશિયન દળો સાથે સંકલન સાધવાના હેતુથી તે ટુકડી એક મહિના પહેલાં મોસ્કો આવી પહોંચશે.
ગત વર્ષે કાઝાનમાં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી રશિયા આવ્યા હતા. આ ૧૬મી બ્રિક્સ પરિષદમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ પુતિને જ મોદીને આમંત્રણ આપ્યું હતું.
રશિયા અને યુક્રેન જ્યારે સામ સામાં યુદ્ધે ચઢ્યાં છે ત્યારે મોદીની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. ભારત સતત આ યુદ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપવાના આગ્રહી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે આ યુદ્ધમાં હું તટસ્થ નથી જ હું શાંતિ પક્ષે છું.
ઉલ્લેખનીય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેના અંતિમ દિવસોમાં તે સમયનાં અખંડ સોવિયેત સંઘનાં સૈન્યે હીટલરનાં સૈન્યને પરાજિત કરી પૂર્વ જર્મની પર કબ્જો મેળવ્યો હતો અને પછી ૯મી મેના દિવસે બર્લિન પણ કબ્જે કર્યું હતું. તે વિજયની યાદમાં મોસ્કોમાં ભવ્ય પરેડ યોજાવાની છે. તેમાં ભારતીય સૈન્યની ટુકડી પણ ભાગ લેવાની છે.