ટ્રમ્પની 'ગાઝા-શાંતિ-યોજના' હમાસે સ્વીકારતા વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખને ધન્યવાદ આપ્યા

- હમાસે કહ્યું અમે તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ
- હમાસે કહ્યું : 'અમે શાંતિ યોજના'ની વિગતો અંગે મધ્યસ્થીઓ સાથે ચર્ચા કરીશું : તે પૂર્વે ટ્રમ્પે હમાસને 'આખરી ચેતવણી' આપી દીધી હતી
નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ટ્રમ્પે રજૂ કરેલી 'ગાઝા-શાંતિ-યોજના'ને સ્વીકારવા સાથે તેના મહત્વના મુદ્દાઓ પણ વિચારી હમાસે કહ્યું, 'અમે તે શાંતિ યોજના સ્વીકારવા તૈયાર છીએ.'
આ જાણી સમગ્ર વિશ્વે હાશકારો અનુભવ્યો હતો.
હમાસ નેતાઓએ આ સાથે તેમ પણ કહ્યું હતું કે, 'અમે તે શાંતિ યોજના'ની વિગતો અંગે મધ્યસ્થીઓ સાથે ચર્ચા કરીશું.
ટૂંકમાં હમાસે તે શાંતિ યોજનાને સ્વીકારવા સહમતિ દર્શાવી જ દીધી છે, અને સાથે તમામ બંધકોને મુક્ત કરવા પણ કબૂલ થયું છે.
હમાસે ટ્રમ્પની 'ગાઝા-શાંતિ-યોજના' સ્વીકારતાં વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખને ધન્યવાદ આપ્યા હતા અને તેઓનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી.
આ સાથે ઉલ્લેખનીય તે પણ છે કે આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે હમાસને આખરીનામું આપતાં કહ્યું હતું કે, 'કાં તો આ દરખાસ્ત સ્વીકારો નહીં તો તમારી ઉપર નર્ક તૂટી પડશે.' નિરીક્ષકોનું તેવું મંતવ્ય રહ્યું છે કે, આ ધમકીની સીધી અસર હમાસ ઉપર થઈ હશે તેથી આ દરખાસ્ત તેમણે સ્વીકારી હશે. આમ છતાં હમાસે પોતે 'શરણાગત' નથી થયા તેવું દર્શાવવા તેમ પણ કહ્યું હતું કે, 'અમે તે દરખાસ્તોની વિગતો વિષે મધ્યસ્થીઓ સાથે ચર્ચા કરીશું. સંભવ છે કે હમાસે પોતે 'શરણાગત' તેવું દર્શાવવા જ આમ કહ્યું હશે.' તેમ છતાં આખરે તેઓએ ટ્રમ્પની શાંતિ દરખાસ્ત સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોએ નિર્ણયાત્મક પ્રગતિ' કરી છે. આ સાથે બંધકોની મુક્તિની આશા તે એક નિર્ણયાત્મક આગે કદમ છે. ભારત ગાઝામાં સતત જળવાઈ રહેનારી ન્યાયયુક્ત શાંતિનો સતત અનુમોદન આપશે જ.









