PM Modi Jordan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડનની મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું હતું. મંગળવારે (16મી ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ અહીં ભારત-જૉર્ડન બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે સુધારેલા શાસન અને નવીનતા આધારિત નીતિઓના પરિણામ સ્વરૂપે ભારતનો વિકાસ દર 8%થી વધુ હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બંને દેશો વચ્ચેના 5 મુખ્ય કરારો
•નવા અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટેકનિકલ સહયોગ.
•જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસ સેક્ટરમાં સહયોગ.
•પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વીનિંગ કરાર.
•વર્ષ 2025-2029 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું રિન્યુઅલ.
•ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અમલમાં મુકાયેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સની વહેંચણીના સેક્ટરમાં સહયોગ અંગે લેટર ઑફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર.
આ પણ વાંચો: મોદી સરકારને નામ બદલવાનો 'વળગાડ', પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર
વડાપ્રધાન મોદીએ જૉર્ડનના રોકાણકારોને સંબોધતા કહ્યું કે, 'આજે વિશ્વને એક નવા વિકાસ એન્જિન અને વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂર છે. ભારત અને જૉર્ડન સાથે મળીને આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.'

ભારત અને જૉર્ડન અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત અને જૉર્ડન બંનેને તેમની સંસ્કૃતિ અને વારસા પર ગર્વ છે. જૉર્ડન અને ભારત બંને પાસે સાંસ્કૃતિક અને વારસાગત પર્યટન માટે અપાર સંભાવનાઓ છે. આપણે ફિલ્મ મહોત્સવોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવું જોઈએ. આગામી શિખર સંમેલનમાં જૉર્ડનથી એક મોટું પ્રતિનિધિમંડળ આવવાની અમને આશા છે.'
પ્રિન્સ અબ્દુલ્લાએ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
ક્રાઉન પ્રિન્સ અબ્દુલ્લાએ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું, 'પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે જબરદસ્ત પ્રગતિ કરી છે. અમે સાથે મળીને અમારી આર્થિક ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ. આ ફોરમ ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.'
બંને નેતાઓએ સાંસ્કૃતિક અને વારસાકીય પર્યટન તેમજ ફિલ્મ મહોત્સવોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.
જોર્ડનના કિંગ મુહમ્મદના સૌથી નજીકના વંશજ
જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય પયગંબર મોહમ્મદના સૌથી નજીકના વંશજ માનવામાં આવે છે. તેઓ સીધા હાશિમી રાજવંશ સાથે સંબંધિત છે. મુહમ્મદ સાહેબ કુરૈશ વંશના હતા. કુરૈશ વંશની એક શાખા બાનુ હાશિમ હતી, જેમનાથી હાશિમી રાજવંશની શરુઆત થઈ હતી, જે ઇસ્લામમાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો.

પયગંબર મુહમ્મદ સાહેબની પુત્રી હઝરત ફાતિમા, તેમના જમાઈ હઝરત અલી, અને તેમના પુત્રો, હસન અને હુસૈન ઘણી પેઢીઓ સુધી મક્કાના શરીફ બન્યા. આ શરીફ બાદમાં હાશિમી રાજવંશના શાસકો બન્યા.

જૉર્ડનના શાસકો હાશિમી રાજવંશમાંથી આવે છે. આ રાજવંશે લગભગ 700 વર્ષ સુધી મક્કા પર શાસન કર્યું. જોર્ડનના પહેલા કિંગ શરીફ હુસૈન બિન અલી હતા. વર્તમાન રાજા અબ્દુલ્લા દ્વિતીય, તેમના પ્રપૌત્ર છે. આમ તેમનો વંશ સીધો પ્રોફેટ મુહમ્મદ સાથે જોડાયેલો છે. જૉર્ડન એક બંધારણીય રાજાશાહી છે, જ્યાં રાજા બનવાની પ્રક્રિયા બંધારણમાં નિર્ધારિત છે. જૉર્ડનના બંધારણમાં એવી જોગવાઈ છે કે સત્તાનો ઉત્તરાધિકાર હાશિમી રાજવંશમાંથી હોવો જોઈએ, અને સિંહાસન પિતાથી પુત્રને મળે છે.


