બટાલા-મુન્ડો-બેન્ડના તાલ સાથે વડાપ્રધાન મોદીનું બ્રાઝિલિયાંના વિમાન ગૃહે ભવ્ય સ્વાગત
- બ્રાઝિલિયાની હોટેલમાં પ્રવેશ્યા તે સમયે ભારતવંશીઓએ નૃત્યથી સ્વાગત કર્યું : બાળકોએ ત્રિરંગા સાથે મોદીને આવકાર્યા
બ્રાઝિલિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે અહીં આવી પહોંચતાં એરપોર્ટ ઉપર જ તેઓનું બટાલા-મુન્ડો-બેન્ડના આદ્રો-બ્રાઝિલિયન તાલ સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. વિમાન ગૃહે બ્રાઝિલના સંરક્ષણ મંત્રી જોરુ મ્યુસિયો, મોન્ટીરો ફીલરો તથા ભારતના રાજદૂત અને દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ તેઓના સ્વાગત માટે ઉપસ્થિત હતા.
આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધર જયસ્વાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સોમવારે (સ્થાનિક સમય પ્રમાણે) વિમાનગૃહે આવી પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે બ્રાઝિલિયા સ્થિત ભારતવંશીઓ પણ ઉપસ્થિત હતા. બાળકો, રાષ્ટ્રધ્વજ સાથે ત્યાં હાજર રહ્યાં હતાં. વડાપ્રધાને તેઓ સાથે થોડી હંસી-મઝાકભરી વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદી અહીંથી બ્રાઝિલિયાની હોટેલ પહોંચ્યા જ્યાં પણ બાળકો, ભારતના રાષ્ટ્રધ્વજ સાથે તેઓનાં સ્વાગત માટે ઊભાં હતાં જ્યારે યુવતીઓએ ભારતીય નૃત્ય દ્વારા તેઓનું સ્વાગત કર્યું હતું.
ભારતીય નાટયશાસ્ત્ર પ્રમાણે કરાયેલાં આ સ્વાગતથી નરેન્દ્ર મોદી અત્યંત પ્રભાવિત થયા હતા અને વિદેશમાં આટલે દૂર રહેવાં છતાં, તેઓએ જાળવી રાખેલી ભારતીય પરંપરા સાથે સંસ્કૃતિનું જતન કરવા માટે ભારતીયવંશોને ધન્યવાદ આપ્યા હતા.