ગાઝા શાંતિ સમિટ માટે PM મોદીને આમંત્રણ, ઈજિપ્તમાં ટ્રમ્પ સાથે પણ થઈ શકે છે મુલાકાત

| Image: IANS | 
Gaza Peace Deal: મધ્ય પૂર્વમાં ગાઝા સંઘર્ષ પર લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે, ઇજિપ્તના પ્રમુખ ફરાહ અલ સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આ શાંતિ શિખર સંમેલન ઇજિપ્તના જાણીતા રિસોર્ટ શહેર શર્મ અલ શેખમાં યોજાઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય બેઠકો માટે જાણીતું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના લગભગ 20 જેટલા નેતાઓ આ સમારોહમાં ભાગ લેવાના છે. જોકે, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇજિપ્ત જશે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. હાલમાં, ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇજિપ્ત જશે તેવું પહેલાથી જ નક્કી છે.
શાંતિ પ્રક્રિયામાં ભારતની ભૂમિકા
ભારતે હંમેશા શાંતિ અને સંયમનું સમર્થન કર્યું છે. ભારત ઈઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે સારા સંબંધો રાખે છે. જેના માટે ભારતનું આ શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવું મહત્ત્વનું છે.
ગાઝા શાંતિ કરાર શું છે?
ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હજારો લોકોના મોત થયા છે અને ભારે વિનાશ થયો છે. હવે બંને પક્ષો વચ્ચે શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થવાના છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે 20 સૂત્રીય યોજના રજૂ કરી છે. જેમાં મુખ્યત્વે યુદ્ધવિરામ, સેના પાછી ખેંચવી, બંધકોની મુક્તિ અને ગાઝામાં લાંબા સમય સુધી સ્થાયી શાંતિ જાળવી રાખવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને 'NO ENTRY' અંગે તાલિબાને કહ્યું - અમે નહોતા રોક્યા
હમાસ અને ઈઝરાયલની સ્થિતિ
હમાસે આ પ્લાનને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હમાસના નેતાઓએ તેને 'હાસ્યાસ્પદ' જણાવ્યું છે. હમાસનું કહેવું છે કે, તે પોતાના હથિયાર હેઠાં નહીં મૂકે અને ન તો ગાઝા છોડીને જશે. હમાસને લાગે છે કે, આ કરાર તેના માટે નુકસાનકારક છે.
ઈઝરાયલની શરત
ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ પણ આ કરારને લઈને સંપૂર્ણપણે આશ્વત નથી. તેમની પણ અમુક શરતો છે અને તે ઈચ્છે છે કે, હમાસ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બની જાય.
ટ્રમ્પની આશા
ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, આ પ્લાન મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ સ્થાપવાની સૌથી સારી રીત છે. પરંતુ, હજુ અનેક રાજકીય અને સુરક્ષાની સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવાનો બાકી છે.


