World

પીએમ મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

By GS TEAM
5 Jul 20252 mins read
પીએમ મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

- ભારતવંશીઓએ દેવોની વેશભૂષામાં મોદીનું સ્વાગત કર્યું

- પીએમ મોદીનું ત્રિનિદાદ-ટોબેગોના ભારતવંશીઓને ઓસીઆઈ કાર્ડ આપવા વચન, પીએમ કમલાને 'બિહારનાં પુત્રી' ગણાવ્યા

પોર્ટ ઓફ સ્પેન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાય સાથે ગાઢ જોડાણ અને કોરોના મહામારી સમયે માનવીય પ્રયાસો માટે તેમનું સન્માન કરાયું છે. પીએમ મોદીનું કોઈ દેશ દ્વારા કરાયેલું આ ૨૫મું આંતરરાષ્ટ્રીય સન્માન હતું. નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકે ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો પહેલો પ્રવાસ હતો.

વડાપ્રધાન મોદીએ સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વિકારતા કહ્યું કે, આ સન્માન મેળવીને હું ગૌરવ અનુભવું છું. આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયો તરફથી હું સ્વીકારું છું. આ સન્માન આપણા દેશોની સાશ્વત અને ગાઢ મિત્રતાને વધુ ગાઢ બનાવશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પીયાર્કો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેરાએ તેમના ૩૮ મંત્રીઓ અને ચાર સાંસદો સાથે તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા ભારતવંશીઓએ વિવિધ દેવોની વેશભૂષામાં પીએમ મોદીને આવકાર્યા હતા. નરેન્દ્ર મોદીએ તેઓને ભારત આવવા નિમંત્રણ આપતાં કહ્યું કે, તમારા પૂર્વજોની ભૂમિ ઉપર જરૂર પધારો. તેમણે પ્રત્યેક ભારતવંશીઓએ 'ઓવરસીઝ-સીટીઝન ઓફ ઈંડીયા' (ઓસીઆઈ)નું કાર્ડ આપવાનું પણ વચન આપ્યું હતું. તેઓને ભારત ખુલ્લા હૃદય અને જલેબીથી આવકારશે. તેઓએ વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેરાને 'બિહારનાં પુત્રી' કહી નવાજ્યાં હતાં. કમલા પરસાદના પૂર્વજો બિહારના છે. 

૧૯૯૯માં, ભારતના તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ટ્રિનીદાદ-ટોબેગોની મુલાકાત લીધી હતી તે પછી ૨૬ વર્ષે આ ટાપુ રાષ્ટ્રની મુલાકાતે જનારા નરેન્દ્ર મોદી બીજા ભારતીય નેતા બની રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કમલા પરસાદને મહાકુંભ અને સરયુનાં જળ ભરેલો કળશ આપ્યો હતો સાથે અયોધ્યા સ્થિત નવનિર્મિત રામમંદિરની રૂપાની પ્રતિકૃતિ પણ ભેટ આપી હતી. 

વડાપ્રધાન કમલા પ્રસાદે પીએમ મોદીને પરિવર્તનકારી પરિબળ તરીકે કહેતા જણાવ્યું હતું કે, તેમણે ભારતને એક પ્રબળ અસરકારક વૈશ્વિક સત્તા બનાવ્યું છે. તેઓએ વિશ્વભરના ભારતીયોનાં હૃદયમાં ભારત માટે ગૌરવ જગાડયું છે. આવા વિશ્વના સૌથી વધુ આદરણીય અને પ્રશંસનીય ભારતના વડાપ્રધાનનું સ્વાગત કરતાં હું ગર્વ અનુભવું છું.