Get The App

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક, બોકા સ્ટેડિયમ જશે

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક, બોકા સ્ટેડિયમ જશે 1 - image


PM Modi Argentina Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (ચોથી જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. 57 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત પીએમ મોદી આર્જેન્ટિનાના બોકા જુનિયર્સ સ્ટેડિયમની મુલાકાત લેશે અને આર્જેન્ટિનાના ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે.

ઘણાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી સંરક્ષણ, કૃષિ, ખનન, ક્રૂડ અને ગેસ, નવીનીકરણીય ઉર્જા, વેપાર અને રોકાણ જેવા ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરશે. આ મુલાકાત ભારત અને આર્જેન્ટિના વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. 



આ પણ વાંચો: પાકિસ્તાનના કરાંચીમાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, 7ના મોત, 8 ઈજાગ્રસ્ત

આર્જેન્ટિના જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આર્જેન્ટિના લેટિન અમેરિકામાં અમારું મહત્ત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે અને G20માં નજીકનું સાથી છે. હું પ્રમુખ જેવિયર માઈલીને મળવા માટે આતુર છું, જેમને હું ગયા વર્ષે મળ્યો હતો. અમે કૃષિ, ખનિજો, ઊર્જા, વેપાર, પર્યટન, ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધુ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.'

આર્જેન્ટિના પછી પીએમ મોદી બ્રાઝિલ જશે

આર્જેન્ટિના પહેલા પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે હતા, જ્યાં બંને દેશોએ 6 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાં તેમને 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' એનાયત કરવામાં આવ્યો હતો, જે કેરેબિયન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે પ્રથમ વખત કોઈ વિદેશી નેતાને આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ જશે, જ્યાં તેઓ 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને રાજ્ય મુલાકાત પર પણ રહેશે. તેમની મુલાકાતનો છેલ્લો પડાવ નામિબિયા હશે.

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક, બોકા સ્ટેડિયમ જશે 2 - image



Tags :