Get The App

જે દેશમાં ટ્રમ્પે હુમલાની ધમકી આપી ત્યાં થયું વિમાન ક્રેશ, જાણીતા સિંગર સહિત 6ના મોત

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
જે દેશમાં ટ્રમ્પે હુમલાની ધમકી આપી ત્યાં થયું વિમાન ક્રેશ, જાણીતા સિંગર સહિત 6ના મોત 1 - image


Colombia Plane Crash News : કોલંબિયાના બોયાકા પ્રાંતમાં એક ખાનગી ચાર્ટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં કોલંબિયાના જાણીતા ગાયક યેઇસન જિમેનેઝ (Yeison Jimenez) નું નિધન થયું છે. સિંગરની સાથે પ્લેનમાં સવાર પાયલટ અને તેમની ટીમના અન્ય 4 સભ્યોએ પણ જીવ ગુમાવ્યા છે.



કેવી રીતે થઈ દુર્ઘટના?

પ્રાથમિક તપાસ મુજબ, આ ચાર્ટર વિમાને 'જિયાન જોસ રોન્ડોન' એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન જરૂરી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને રનવેની નજીક જ એક ખેતરમાં જઈને ખાબક્યું હતું. દુર્ઘટના સ્થળના વીડિયોમાં વિમાનનો કાટમાળ આગની લપેટમાં ઘેરાયેલો જોવા મળ્યો હતો. આ ઘટના બોયાકાના પાઇપા અને દુઇતામા વચ્ચેના વિસ્તારમાં બની હતી.

સંગીત કાર્યક્રમ બાદ પરત ફરી રહ્યા હતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, યેઇસન જિમેનેઝ બોયાકા ખાતે એક મ્યુઝિકલ પરફોર્મન્સ આપીને પરત ફરી રહ્યા હતા. તેઓ મેડેલિન એરપોર્ટ જઈ રહ્યા હતા, જ્યાંથી તેમને મારિનિલામાં આયોજિત અન્ય એક કાર્યક્રમમાં પહોંચવાનું હતું. કમનસીબે, મંજિલ પર પહોંચતા પહેલા જ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

ચાહકોમાં શોક અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

જિમેનેઝના નિધનના સમાચારથી તેમના લાખો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના ગીતો અને વીડિયો શેર કરીને ચાહકો ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ભવિષ્યવાણી જેવો સંયોગ: એક ચાહકે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "યેઇસન જિમેનેઝે ઘણી વાર હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામવાનું સપનું જોયું હોવાની વાત કરી હતી, અને આજે એ જ રીતે તેમનું મૃત્યુ થયું તે ખરેખર હૃદયદ્રાવક છે."

યેઇસન જિમેનેઝ કોણ હતા?

યેઇસન જિમેનેઝ કોલંબિયાના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક હતા, જેમના ગીતો સમગ્ર લેટિન અમેરિકામાં લોકપ્રિય હતા. તેમની અચાનક વિદાયથી કોલંબિયન સંગીત ઉદ્યોગને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. હાલમાં એરક્રાફ્ટ ઓથોરિટી પ્લેન ક્રેશ થવાના ચોક્કસ ટેકનિકલ કારણોની તપાસ કરી રહી છે.