- આ નાના પ્લેનમાં 13 પ્રવાસીઓ, એક પાયલોટ અને એક સ્ટુઅર્ડ હતા HK4709 વિમાન કુકુટાથી 11:42 કલાકે ઉપડયું તે 40 મિનિટમાં જ ઓસાના પહોંચવાનું હતું
બોગોટા : કોલંબિયાના ઉત્તર-પૂર્વના પ્રાંત નોર્ટ દે સાન્તાનદેર પ્રાંતમાં બુધવારે એક નાનું વિમાન તૂટી પડતાં ૧૫નાં મૃત્યુ થયા છે. મૃતકોમાં વિમાનનો પાયલોટ, ક્રૂ મેમ્બર (સ્ટુઅર્ડ) ઉપરાંત અન્ય ૧૩ પ્રવાસીઓ હતા. આ પંદરે પંદરના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે તેમ સ્ટેટ-રન એરલાઇન્સ સેટેનાએ જણાવ્યું હતું.
આ એરલાઇન્સે આપેલા પેસેન્જર્સ લિસ્ટમાં એક રાજકારણી ડાયોજીનીસ ક્વિન્ટેરો તથા તેમની ટીમના સભ્યોના નામ છે તે લિસ્ટમાં કાર્લોસ સેલ્સિડોનું નામ પણ છે તેઓ માર્ચમાં યોજાનારી ચૂંટણીના ઉમેદવાર પદે હતા.
કોલંબિયાની ટ્રાન્સપોર્ટેશન મીનીસ્ટ્રીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે તેણે જણાવ્યું છે કે, છેલ્લે આ વિમાન વનાચ્છાદિત પર્વતો તરફ જતું ગ્રામલોકોએ જોયું હતું. વાસ્તવમાં તે, પૂર્વના ક્યુક્યુટા શહેર ઉપરથી પૂર્વના ઑસાના શહેર તરફ જતું હતું. તેનો ઉડ્ડયન માર્ગ તો માત્ર ૪૦ મિનિટનો જ હતો.
સરકારી એજન્સી, સેટેનાએ જણાવ્યું હતું કે, તે પ્લેન 'એરબોર્ન' થયા પછી થોડી મિનિટોમાં જ 'એર ટ્રાફિક કંટ્રોલર'નો સંપર્ક કર્યો હતો પરંતુ તે પછી તેનો સંપર્ક છૂટી ગયો હતો. આ દુર્ઘટનાએ સત્તાવાળાઓને ભારે આંચકો આપ્યો છે. કારણ કે, મૃતકોમાં ૩૬ વર્ષના જ માનવ અધિકારવાદી યુવાનોના ડાયોજીનીસ ક્વિન્ટેરો પણ હતા તેઓ દેશમાં ચાલી રહેલા આંતરિક સશસ્ત્ર- સંઘર્ષમાં, શાંતિ સ્થાપવા માટે પણ સતત પ્રયત્નશીલ હતા.
કોલંબિયાના એક સાંસદ તેમના સાથી હતા તેઓ કાર્લોસ સેલ્સિડો ડાયોડીનીયસની સતત સાથે રહેતા હતા.
આ દુર્ઘટના અંગે પોતાનો શોક વ્યક્ત કરતા પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ સોશ્યલ મીડીયા પર લખ્યું, 'મને આથી ઘણું દુ:ખ થયુંછે. દિવંગતોના આત્માને પ્રભુ શાંતિ આપે, તેઓના કુટુંબીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે.'


