પયગંબર અંગે ટીપ્પણી વિવાદથી આરબ દેશો સાથે સંબંધો કથળ્યા નથી : ગોયલ
ખાડી દેશોમાં બધા જ ભારતીયો સલામત
નુપુર શર્મા, નવીનકુમાર જિંદાલની પક્ષમાંથી હકાલપટ્ટીના ભાજપના નિર્ણયને અનેક મુસ્લિમ દેશોએ આવકાર્યો
નવી દિલ્હી, તા.૭
જ્ઞાાનવાપી વિવાદની ચર્ચામાં ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ અંગેની વિવાદિત ટીપ્પણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચ્યો છે અને બધા જ મુસ્લિમ દેશોએ એક સૂરમાં આ મુદ્દે ભારત સરકારની ટીકા કરી છે. એવા સમયે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે મંગળવારે કહ્યું હતું કે, નુપુર શર્માના નિવેદનથી આરબ દેશો સાથે ભારતના સારા સંબંધો પર કોઈ અસર નહીં પડે. ખાડી દેશોમાં નોકરી કરતા બધા જ ભારતીયો સલામત છે. જોકે, આ મુદ્દે ભારતની ટીકા કરનારા દેશોની સંખ્યા વધી રહી છે. આ મુદ્દે ઈરાક, લિબિયા, મલેશિયા સહિતના અન્ય કેટલાક દેશોએ ભારતીય રાજદૂતો સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કોચ્ચીમાં જણાવ્યું હતું કે, પક્ષે બે નેતાઓ વિરુદ્ધ તેમની ટીપ્પણી બદલ કાર્યવાહી કરી છે અને વિદેશ મંત્રાલયે આ અંગે ખુલાસો પણ આપી દીધો છે. પ્રવાસી સમુદાય માટે કોઈપણ ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે ખાડી સહયોગ પરિષદ (જીસીસી)ના દેશો સાથે ભારતના સંબંધો હજુ પણ મજબૂત છે. આ નવા વિવાદના પગલે ભારતીય ઉત્પાદનોના બહિષ્કાર માટે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અભિયાનના સંદર્ભમાં ગોયલે કહ્યું કે, આ પ્રકારના અભિયાનની તેમને માહિતી નથી.
તેમણે ઉમેર્યું હતું કે, ખાડી દેશોએ માત્ર એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે આવું નિવેદન અપાવું જોઈએ નહીં અને તે મુજબ, ટીપ્પણી કરનારી વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ ટીપ્પણી કોઈ સરકારી અધિકારીએ આપી નથી, તેથી તેનો સરકારના કામકાજ પર કોઈ અસર નહીં પડે. ભાજપે તેમના પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપ્યું છે.
ગોયલે કહ્યું કે, ખાડી ક્ષેત્રમાં રહેતા અને કામ કરનારા બધા ભારતીય સુરક્ષિત છે અને તેમણે ચિંતા કરવાની જરૃર નથી. આ ટિપ્પણીઓથી સરકારને કોઈ લેવા-દેવા નથી અને તેનાથી મોદી સરકારની છબી પર પણ અસર નહીં પડે. આ બધા દેશો સાથે આપણા ઘણા સારા સંબંધો છે.
દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરોધમાં મંગળવારે વધુ મુસ્લિમ દેશો જોડાયા છે. ઈરાક, લિબિયા, મલેશિયા, તુર્કીયે સહિત એક ડઝનથી વધુ મુસ્લિમ દેશોએ નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીની આકરી ટીકા કરી હતી. ઈરાકની સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે, આ પ્રકારની અપમાનજનક ટીપ્પણીઓના ગંભીર પરિણામ આવી શકે છે.
મલેશિયાએ ભારતને ઈસ્લામોફોબિયાનો અંત લાવવા અને શાંતિ તથા સ્થિરતાના હિતમાં ઉશ્કેરણીજનક કૃત્યોને ડામવા પર કામ કરવા સલાહ આપી હતી. તૂર્કીયેએ પયગંબર મોહમ્મદ સામેની અપમાનજનક ટીપ્પણીને બધા જ મુસ્લિમોનું અપમાન ગણાવી હતી. આ સિવાય સોમવારે ઈન્ડોનેશિયા, સાઉદી અરબ, માલદિવ્સ, યુએઈ, જોર્ડન, બહેરીન, ઓમાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પણ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીની ટીકા કરી હતી. જોકે, આ સાથે અનેક મુસ્લિમ દેશોએ ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાં નુપુર શર્મા અને નવીનકુમાર જીંદાલની પક્ષમાંથી હકાલપટ્ટીના નિર્ણયને આવકાર્યો હતો.