- કુખ્યાત બાળ જાતીય શોષણ ગુનેગાર એપ્સટિનની ફાઈલોથી હોબાળો, વધુ ઘટસ્ફોટની શક્યતા
- તસવીરોમાં દેખાતી હસ્તીઓએ કોઈ ગૂનો કર્યો હોવાનું જણાતું નથી : યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટિ
- ઓવરસાઈટ સમિતિ પાસે જેફરી એપ્સટીન કેસની 95,000થી વધુ તસવીરો : ટ્રમ્પ સરકાર સત્તાવાર રીતે દસ્તાવેજો જાહેર કરશે
વોશિંગ્ટન : અમેરિકામાં બાળકોના જાતીય શોષણનો કુખ્યાત ગૂનેગાર જેફરી એપસ્ટિન ફરી સમાચારો છે. અમેરિકાના હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ જેફરી એપ્સટિન સાથે સંકળાયેલી ૬૮ નવી તસવીરો જાહેર કરી છે, જેમાં સૌથી પહેલા બિલ ગેટ્સનું નામ ચર્ચામાં છે. આ તસવીરમાં બિલ ગેટ્સને એક સગીર છોકરી સાથે જોઈ શકાય છે. આ સિવાય ખ્યાતનામ બુદ્ધિજીવી નોમ ચોમ્સ્કીની જેફરી એપ્સટિન સાથેની તસવીર પણ જાહેર કરાઈ છે. ડેમોક્રેટ્સ સભ્યોએ ટ્રમ્પ સરકાર પર જેફરી એપ્સટિન સંબંધિત ફાઈલોને સત્તાવાર રીતે જાહેર કરવાનું દબાણ વધાર્યું છે. આ ફાઈલો જાહેર થતાં હજુ વધુ મોટા ઘટસ્ફોટ થવાની આશંકા છે.
વર્ષ ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરનારા જેફરી એપ્સટિનના કેસની ફાઈલોના દસ્તાવેજો જાહેર કરવા અમેરિકન સરકાર પર કેટલાક વર્ષોથી દબાણ હતું. આ દબાણ હવે મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગયું છે, કારણ કે ટ્રમ્પ સરકાર પર એપ્સટિન ફાઈલો જાહેર કરવાની કાયદાકીય અંતિમ તારીખ ૧૯ ડિસેમ્બરે પૂરી થઈ છે. કોંગ્રેસે આ ફાઈલો જાહેર કરવા અંગે એક કાયદો પસાર કર્યો હતો, જેનો અંતિમ દિવસ શુક્રવારે છે. જોકે, આ ફાઈલોને જાહેર થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.
ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે જણાવ્યું હતું કે, જેફરી એપ્સટિન સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરાશે અને આ દસ્તાવેજો જાહેર કરવાની પ્રક્રિયા આગામી સપ્તાહો સુધી ચાલી શકે છે. સૂત્રોએ કહ્યું કે, જેફરી એપ્સટીન સંબંધિત હજારો પાનાની ફાઈલો શુક્રવારે જાહેર કરતા પહેલા સંપાદિત કરવાની છે.
જેફરી એપ્સટિન ફાઈલો જાહેર કરવાની ચર્ચાઓ વચ્ચે યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ સભ્યોએ ગુરુવારે ૬૮ નવી તસવીરો જાહેર કરી હતી, જેમાં માઈક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સ, પ્રખ્યાત બુદ્ધિજીવી, રાજકીય દાર્શનિક નોમ ચોમ્સ્કી, વ્હાઈટ હાઉસના પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનન, મેજિશિયન ડેવિડ બ્લેન, ગૂગલના સીઈઓ સાલાર કામંગર, કોલમિસ્ટ ડેવિડ બુ્રક્સ અને ફિલ્મ નિર્માતા વૂડી એલનની તસવીરોએ પણ ભારે હોબાળો મચાવ્યો છે. આ તસવીરો ઓવરસાઈટ સમિતિને એવા સમયે મળી હતી જ્યારે તેણે એપ્સટીનની મોત પહેલા તેની પાસેની સામગ્રી માટે સમન જાહેર કર્યું હતું. ઓવરસાઈટ સમિતિ પાસે ૯૫,૦૦૦થી વધુ તસવીરો હોવાનું કહેવાય છે.
ડેમોક્રેટ્સ સભ્યોએ જાહેર કરેલી કેટલીક તસવીરો એવી છે, જેમાં છોકરીઓના હાથ, પગ, ગળા અથવા શરીરના અન્ય અંગો પર કંઈક લખાણ લખેલું છે. આ લખાણ રશિયન લેખક વ્લાદિમીર નાબોકોવની વિવાદાસ્પદ નવલકથા 'લોલિતા'ની લાઈનો હોવાનું કહેવાય છે. આ નવલકથા એક એવીવ્યક્તિની વાર્તા છે, જે ૧૨ વર્ષની છોકરી તરફ આકર્ષાય છે. આ નવલકથાને નાબોકોવની સૌથી વિવાદાસ્પદ નવલકથા મનાય છે.
કેટલાક ઘરોના નક્શા, ઈમારતોના બિલ્ડિંગ પ્લાન, કેટલીક ખાનગી મુલાકાતોની તસવીરો, પોલીસ રેકોર્ડનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક દેશોના પાસપોર્ટ અને ચેટનો સ્ક્રીનશોટની તસવીરો પણ જાહેર કરાઈ છે. એક સ્ક્રીનશોટ મેસેજમાં છોકરીઓ મોકલવાની વાત કરાઈ છે અને દરેક છોકરી માટે ૧,૦૦૦ ડોલરની કિંમતનો ઉલ્લેખ છે.
અનેક તસવીરોમાં જેફરી એપ્સટીનને અલગ અલગ લોકોને મળતા જોઈ શકાય છે. નવી તસવીરો સાથે એપ્સટીનની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સહિત દુનિયાની અનેક હસ્તીઓનો સમાવેશ થાય છે. જોકે, યુએસ હાઉસ ઓવરસાઈટ કમિટિએ આ તસવીરો જાહેર કરવાની સાથે એમ જણાવ્યું છે કે આ તસવીરોનો અર્થ એ નથી કે તસવીરોમાં દેખાતી હસ્તીઓએ કોઈ ખોટું કામ કર્યું છે. આ તસવીરોમાં એપ્સટીનના કોઈપણ પરિચિતને ગુનાઈત પ્રવૃત્તિ કરતાં જોવા મળતા નથી.


