બાંગ્લાદેશમાં પેટ્રોલ બોમ્બથી હુમલો એકનું મોત, હિન્દુનું ઘર સળગાવાયું

- ક્રિસમસની ઉજવણી પૂર્વે કટ્ટરવાદીઓ બેફામ બન્યા
- હિન્દુઓને બચાવવા કોઇ જ નહીં આવે, મકાન, દુકાન કઇ જ નહીં છોડીએ : હિન્દુઓના ઘરો બહાર ધમકીભર્યા બેનરો લાગ્યા
ઢાકા : બાંગ્લાદેશમાં ૨૫મી તારીખે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે તે પૂર્વે જ કટ્ટરવાદીઓ હિંસા પર ઉતરી આવ્યા છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. જ્યારે ચિટગોંગમાં હિન્દુ પરિવારના ઘરને આગ લગાવી દેવાઇ હતી અને હિન્દુઓને કોઇ જ બચાવવા નહીં આવે તેવી ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના ઢાકામાં ફ્રીડમ ફાઇટર્સ કાઉન્સિલ સામે હુમલાખોરોએ પેટ્રોલ બોમ્બ ફેક્યો હતો. જેમાં સૈફુલ સિયામનું મોત નિપજ્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ બોમ્બ ફ્લાઇઓવર પરથી ફેંકવામાં આવ્યો હતો. જેમાં આ શખ્સનું મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસે પણ કહ્યું હતું કે ફ્લાઇઓવર પરથી જ હુમલો થયો હતો. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક ઓટોમોબાઇલ એક્સેસરીની દુકાનમાં કામ કરતો હતો.
બીજી હિન્દુઓ પર હુમલા હજુ પણ ચાલુ છે, ચીટગોંગમાં હિન્દુ પરિવારના મકાનોને આગને હવાલે કરી દેવાયા હતા, સાથે જ બેનરો લગાવાયા હતા જેમાં એવી ધમકી આપવામાં આવી હતી કે તમને (હિન્દુઓને) કોઇ બચાવવા નહીં આવે. હુમલાખોરોએ સ્થાનિક હિન્દુ બાબૂ શુકુશીલના ઘરને આગ લગાવી દીધી હતી. જેને કારણે તેનું આખુ મકાન બળીને ખાખ થઇ ગયું હતું. આગની લપેટમાં આવવાને કારણે ઘરમાં જે પશુઓ રાખવામાં આવ્યા હતા તેના પણ મોત નિપજ્યા હતા. પોલીસે માત્ર અજાણ્યા લોકો પર ફરિયાદ દાખલ કરીને સંતોષ માન્યો હતો, હજુસુધી એક પણ હુમલાખોર ઝડપાયો હતો. હિન્દુઓમાં ભય ફેલાવવા માટે હુમલાખોરો અન્ય ઘરોની પાસે પોસ્ટરો પણ લગાવતા ગયા જેમાં લખ્યું હતું કે તમને બચાવવા માટે કોઇ જ નહીં આવે. બેનરનું ટાઇટલ હતું હિન્દુઓ માટે ચેતવણી. જેમાં વધુમાં ધમકી અપાઇ છે કે હિન્દુઓના ઘર, દુકાન કઇ જ નહીં બચે.








