વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે સરકારી નિર્ણય સામે હાર્વર્ડ, MITની કોર્ટમાં અરજી
- વિદેશી વિદ્યાર્થીઓની ગેરહાજરીથી રીસર્ચ વર્કને અસર થશે : MIT
- અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓએ કોર્ટમાં ટ્રમ્પ સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માગણી કરી
- નોટિસ પાઠવ્યા વગર લાખો વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાનો ટ્રમ્પ સરકારનો નિર્ણય કાયદાથી વિરૂદ્ધ : હાર્વર્ડ યુનિવર્સિટી
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 8 જુલાઈ 2020, બુધવાર
યુનિવર્સિટીઓના ક્લાસ ઓનલાઈન ચાલતા હોવાથી વિદેશી વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા જતાં રહે એવો આદેશ ટ્રમ્પ સરકારના ઈમિગ્રેશન વિભાગે આપ્યો હતો. તે પછી એ આદેશને હાર્વર્ડ અને એમઆઈટી જેવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોેએ કોર્ટમાં પડકાર્યો હતો. તેને કાયદાનો ભંગ ગણાવીને આદેશ પાછો ખેંચવાની માગણી થઈ છે. આ બંને શૈક્ષણિક સંસ્થાઓએ ગૃહ મંત્રાલય અને ઈમિગ્રેશન વિભાગ સામે અરજી કરી છે.
ટ્રમ્પ સરકારના ઈમિગ્રેશન વિભાગે વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ જતા રહેવાનો આદેશ આપ્યો હતો. જે વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ પોતાના દેશમાં જઈને ઘરેથી ઓનલાઈન ક્લાસ ભરે, તેમને અમેરિકામાં રહેવાની જરૂર નથી. જો વિદ્યાર્થીઓ અમેરિકા નહીં છોડે તો તેમને દેશનિકાલ કરવામાં આવશે એવું નોટિફિકેશન ઈમિગ્રેશન વિભાગે જારી કર્યું હતું.
એ આદેશ સામે હવે અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ - હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)એ કોર્ટમાં અરજી કરી છે. આ શૈક્ષણિક સંસ્થાનોએ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો અને કાયદાથી વિરૂદ્ધનું પગલું ગણાવ્યું હતું. ઈમિગ્રેશન વિભાગ અને ગૃહ મંત્રાલયની વિરૂદ્ધમાં આ બંને શૈક્ષણિક સંસ્થાનોએ દાવો માંડયો હતો.
કોર્ટમાં થયેલી અરજીમાં આ શૈક્ષણિક સંસ્થાઓએ માગણી કરી હતી કે કોર્ટ ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર સ્ટે આપે. અરજીમાં દલીલ થઈ હતી કે સરકારનો આ નિર્ણય ગેરવાજબી અને ગેરકાનૂની છે. આવું કરવાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન થશે. આ નિર્ણયથી માનવ અધિકારો પણ ભંગ થશે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ કહ્યું હતું કે નોટિસ પાઠવ્યા વગર લાખો વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાનો ટ્રમ્પ સરકારનો નિર્ણય કાયદાથી વિરૂદ્ધ છે. એમઆઈટીએ દલીલ કરી હતી કે વિદેશી વિદ્યાર્થીઓ સ્વદેશ જશે તેનાથી રીસર્ચ વર્કને અસર થશે. એમઆઈટીએ કહ્યું હતું કે ક્લાસ ઓનલાઈન ચાલતા હોવા છતાં રીસર્ચ વર્ક માટે વિદ્યાર્થીઓ કાર્યરત છે. એવા બધા જ પ્રોજેક્ટમાં સરકારના આ નિર્ણયથી અસર થશે.
શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે નહીં તો સરકારી ફંડ બંધ કરીશ : ટ્રમ્પ
શૈક્ષણિક સંસ્થાઓ ક્લાસ શરૂ કરે તે માટે વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલાશે : અમેરિકન અધિકારી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શૈક્ષણિક સંસ્થાઓને ક્લાસ શરૂ કરવાની ધમકીભરી સલાહ આપીને કહ્યું હતું કે જો શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે નહીં તો સરકારી સલાહ બંધ કરી દેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનું રાજકારણ કરી રહી છે, પરંતુ હકીકત એ છે કે ડેન્માર્ક, નોર્વે, જર્મની વગેરે દેશોમાં શાળા-કોલેજો ખૂલી ગઈ છે તો અમેરિકામાં કેમ બંધ રખાઈ છે?
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેમના સંતાનો સ્કૂલમાં જાય. જેવો ડર બતાવવામાં આવે છે એટલો ડર નથી. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણકાર્ય શરૂ કરશે નહીં તો તમને મળતી સરકારી સહાય બંધ કરી દેવાશ. ટ્રમ્પે કહ્યું હતું કે હું તમામ ગવર્નર્સને તેની સૂચના આપીશ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું દબાણ કરીશ.
બીજી તરફ અમેરિકાના ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાનો નિર્ણય એટલે લેવાયો છે કે તેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ભણાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પ્રોત્સાહિત થાય. શૈક્ષણિક સંસ્થાઓ મર્યાદિત વિદ્યાર્થીઓ સાથે ક્લાસ શરૂ કરવા પ્રેરાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું અધિકારીએ કહ્યું હતું. ગૃહ મંત્રાલયના અધિકારી કેન ક્યુસિનેલીએ કહ્યું હતું કે યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસની સુવિધા આપતી હોવાથી તેમને પણ શિક્ષણ મળશે અને શાળાઓ ફરીથી ખુલવા માટેનું વાતાવરણ પણ બનશે.