Get The App

ગૂગલના 250 કરોડ યુઝર્સના અંગત ડેટા ચોરાયા, અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલના 250 કરોડ યુઝર્સના અંગત ડેટા ચોરાયા, અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા 1 - image


Google Data Theft News : દુનિયામાં 700 કરોડ મોબાઈલ યુઝર્સ છે. લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સમાં એટલીસ્ટ એક ઈ-મેઈલ એડ્રેસ લિંક થયેલું હોય છે. એ રીતે ગણીએ તો ઈ-મેઈલ યુઝર્સ તો સ્માર્ટફોન યુઝર્સ જેટલા જ હશે. પરંતુ એક્ટિવ યુઝર્સની વ્યાખ્યા પ્રમાણે વાત કરીએ તો ગૂગલના એક્ટિવ યુઝર્સનો આંકડો 350 કરોડથી વધુ છે. આમાંથી 250 કરોડ એક્ટિવ યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો છે. ગૂગલ યુઝર્સના સંદર્ભમાં આ સૌથી મોટી ડેટા ચોરી છે. ગૂગલે પણ ડેટા ચોરીની વાત સ્વીકારી હતી. જોકે, ગૂગલે કોઈ ચોક્કસ આંકડો જાહેર કર્યો ન હતો.

શાઈની હંટર્સ નામના હેકર્સના ગ્રુપે ગૂગલના 250 કરોડ યુઝર્સનો ડેટા ચોરી લીધો હતો. એ ઘટના ચોક્કસ ક્યારે બની તે બાબતે મતભેદો છે, પરંતુ મોટાભાગના સાઈબર એક્સપર્ટ્સ કહે છે કે આ જૂન-૨૦૨૫ના અંતમાં કે જુલાઈની શરૂઆતમાં ગૂગલના કર્મચારીઓના કમ્પ્યુટર્સનો કોઈ ટ્રિકથી એક્સેસ મેળવાયો હતો અને તે દરમિયાન ગૂગલના યુઝર્સનો ડેટા તફડાવી લેવાયો હતો.

ગૂગલના કરોડો યુઝર્સનો ડેટા શાઈની હંટર્સ ગ્રુપે ડાર્ક વેબમાં વેચવા મૂક્યો એ પછી આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. દુનિયાભરના સાઈબર સુરક્ષા એક્સપર્ટ્સ સફાળા જાગ્યા હતા. સરકારી અને ખાનગી સાઈબર સુરક્ષા એજન્સીઓએ તુરંત ગૂગલ યુઝર્સને પાસવર્ડ ચેન્જ કરવાની ભલામણ પણ કરી છે. જે ડેટા ચોરાયો છે એમાં ખૂબ સંવેદનશીલ કહી શકાય એવી માહિતી પણ સામેલ છે. જેમ કે, હવે મોટાભાગના યુઝર્સ કોન્ટેક્ટ નંબર ગૂગલમાં જ શેર કરે છે. કરોડો યુઝર્સના કોન્ટેક્ટ નંબર ચોરાયા છે. એનો અર્થ એવો પણ થાય કે ખરેખર તો 250 કરોડ યુઝર્સના માધ્યમથી બીજા કરોડો યુઝર્સના કોન્ટેક્ટ નંબર પણ લીક થયા છે.

આ ઉપરાંત ગૂગલ નોટ્સ, જી-મેઈલ, નામ, બિઝનેસ ફાઈલ્સ, કંપનીનું નામ વગેરેનો ડેટા ચોરી થયો છે. ગૂગલે આ ડેટા ચોરીની વાત સ્વીકારી છે, પરંતુ ગૂગલે એવીય સ્પષ્ટતા કરી હતી કે એકેય યુઝર્સનો પાસવર્ડ ચોરાયો નથી. સાઈબર સુરક્ષા એક્સપર્ટ્સ કહે છે કે ડાર્ક વેબમાં મૂકાયેલા આ ડેટાના કારણે સ્કેમર્સને વધુ ફાવતું મળશે. આગામી મહિનાઓમાં કરોડો યુઝર્સ પર આર્થિક છેતરપિંડીનું જોખમ છે. સ્કેમર્સના કોલ્સ આવવાનું પ્રમાણ પણ વધશે. ચેતવણી તો ત્યાં સુધી આપવામાં આવી છે કે ગૂગલ વતી કોઈ વોઈસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજ આવે તો પણ સાવધાન રહેવું. કારણ કે ગૂગલના કર્મચારીઓના ડેટા હેક થયા હોવાથી ગૂગલ જેવા નામથી આવા મેસેજ આવી શકે છે અને તે છેતરપિંડીની નવી રીત હોઈ શકે છે. ગૂગલે પણ યુઝર્સને મલ્ટિ ફેક્ટર ઓથેન્ટિકેશનની ભલામણ કરી છે.

સ્કેમર્સ દરરોજ સરેરાશ ત્રણ ફોન કરતા હોવાથી યુઝર્સ પરેશાન

દુનિયાભરમાં જેમ જેમ ઓનલાઈન આર્થિક વહેવારો વધ્યા છે તેમ તેમ ઓનલાઈન ચોરોનો પણ રાફડો ફાટયો છે. દુનિયાના એકેય યુઝર્સનો ડેટા દુનિયામાં ક્યાંય સલામત નથી. જેટલા યુઝર્સ કોઈને કોઈ ડિવાઈસ વાપરે છે તેમનો ડેટા કોઈને કોઈ પાસે તો સ્ટોર થાય જ છે. જ્યારે ડેટા ચોરી થઈ જાય ત્યારે એ યુઝર્સ પર છેતરપિંડીનું જોખમ ખડું થાય છે. હેકર્સ ડેટા ચોરીને સાવ નજીવા ભાવે ડાર્ક વેબમાં એ ડેટા વેચી મારે છે. સ્કેમર્સ એ ડેટા ત્યાંથી ખરીદીને સામાન્ય યુઝર્સને ફોન કરતા રહે છે. ક્રેડિટ કાર્ડ આપવાના બહાને, કોઈ લોટરી લાગી છે એની રકમ આપવાના બહાને કે પછી બીજી કોઈ લાલચ આપવાના નામે આ સ્કેમર્સ યુઝર્સને ફોન કરે છે. લોકલસર્કલના સર્વેમાં જણાયું હતું કે સરેરાશ ભારતીય યુઝર્સ દરરોજ ત્રણ સ્પેમ કોલ્સ રીસિવ કરે છે. આવા કોલ્સથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે. 

Tags :