Get The App

બાંગ્લાદેશમાં યુનુસ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઠેર-ઠેર આગજની

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં યુનુસ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઠેર-ઠેર આગજની 1 - image

- વિદ્યાર્થીઓનું સંસ્કૃતિ બચાવો આંદોલન આખા દેશમાં ફેલાયું

- પ્રાઇમરી સ્કૂલોમાં સંગીત અને પીટી ટીચરો દૂર કરવામાં આવતા સરકારે ઇસ્લામિક કટ્ટરવાદીઓ સામે ઘૂંટણ ટેકવ્યાનો આરોપ  

- બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી પહેલાં રેફરેન્ડમ કરવાની સૌથી મોટા ઇસ્લામિક કટ્ટરવાદી પક્ષની માંગ

ઢાકા : બાંગ્લાદેશમાં સરકારરું નીતિગત પગલું મોટા આંદોલનમાં પરિવર્તીત થઈ ગયું છે. તેના પગલે બાંગ્લાદેશની અગ્રણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો યુનુસ સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે.  તેઓએ સરકાર સામેના તેમના આંદોલનના વેતન વધારાનું નહીં પણ તેમની સંસ્કૃતિને બચાવવા માટેનું આંદોલન ગણાવ્યું છે, જે આખા દેશમાં ફેલાઈ ગયું છે. 

મોહમ્મદ યુનુસ સરકારે પ્રાઇમરી સ્કૂલોમાં સંગીત અને શારીરિક શિક્ષણના શિક્ષકોની નિમણૂકની યોજના રદ કરી દીધી છે. આના પગલે બાંગ્લાદેશી યુવાનો ભડક્યા છે. તેઓ તેના કારણે રસ્તા પર ઉતરી આવ્યા છે, તેમનું કહેવું છે કે બાંગ્લા સરકારે ઇસ્લામિક કટ્ટરવાદીઓ આગળ ઘૂંટણ ટેકવી દીધા છે, જે સંગીત અને વ્યાયાયમ પર પ્રતિબંધ માંગ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ક્યારેય બાંગ્લાદેશીઓના હૃદયમાંથી સંગીતને દૂર કરી નહી શકે. બાંગ્લાદેશી વિદ્યાર્થી આંદોલનોનું પ્રતીક ઢાકા યુનિવર્સિટીની બહાર અપરાજેય બાંગ્લા પ્રતિમા નીચે રાષ્ટ્રીય ગાન અને ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના ગીત ગાતા જમા થયા હતા. વિદ્યાર્થીઓનું આ આંદોલન આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે.

સંગીત પરના પ્રતિબંધને લઈને બાંગ્લાદેશના ચટગાંવથી લઈને રાજાશાહી સુધી જગન્નાથથી લઈને ઢાકા સુધી યુનિવર્સિટીઝના કેમ્પસ વિરોધી નારા અને ગીતોથી ગૂંજી ઉઠયા. આર્ટ્સ અને હ્યુમેનિટીઝના વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ આ આંદોલન થઈ રહ્યું છે. તેમની માંગ છે કે સ્કૂલોમાં સંગીત અને પીટી ટીચર્સની નિમણૂકને બહાલ કરવામાં આવે. ઢાકા યુનિવર્સિટીના થિયેટર પ્રોફેસર ઇસરાફિલ શાહીને વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે સંસ્કૃતિ ક્યારેય ધર્મના વિરોધમાં ન હોય. આપણી સંસ્કૃતિ આપણી રાષ્ટ્રીય ઓળખ બનાવે છે. તેના વગરનું શિક્ષણ ખોખલું થઈ જાય છે. સંગીત શિક્ષક અજીજુર રહેમાને જણાવ્યું હતું કે કળા જ સભ્યતાનો પાયો છે. જો કે સરકાર હજી સુધી આ દેખાવકારો આગળ ઝૂકી નથી. સરકારને સમર્થન આપતા ઇસ્લામિક પક્ષો આ નિમણૂકોના સ્થાને ધાર્મિક શિક્ષકોની નિમણૂક કરવા માંગ કરી રહ્યા છે. 

બાંગ્લાદેશમાં એકબાજુએ આગામી વર્ષે ચૂંટણી યોજવાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તેની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ફેબુ્રઆરીમાં ચૂંટણી યોજવાનો તીવ્ર વિરોધ કર્યો છે. તેણે ચૂંટણી પૂર્વે પ્રસ્તાવિત ચાર્ટરને કાયદાકીય આધાર આપવા રેફરેન્ડમની માંગ કરી છે આમ નહીં થાય તો ત્યાં સુધી ચૂંટણી જ નહીં યોજાય તેમ જણાવ્યું છે.