World

ભારત-ચીન વચ્ચે વિવાદ કરાવવા અમેરિકાનું કાવતરું? પેન્ટાગનના રિપોર્ટ પર ભડક્યું ડ્રેગન

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘટી રહેલા તણાવ અને સુધરી રહેલા સંબંધો વચ્ચે અમેરિકાના એક રિપોર્ટે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન'ના 2025ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ભારત સાથે સંબંધો સુધારવાનો ‘ઢોંગ’ કરી રહ્યું છે જેથી ભારત અને અમેરિકાની નિકટતા અટકાવી શકાય. આ રિપોર્ટ પર ચીને આકરી પ્રતિક્રિયા આપતા તેને ભારત-ચીન વચ્ચે વિખવાદ ઊભો કરવાનું અમેરિકી કાવતરું ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ચીન વચ્ચે વિવાદ કરાવવા અમેરિકાનું કાવતરું? પેન્ટાગનના રિપોર્ટ પર ભડક્યું ડ્રેગન

India-China Relations: ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઘટી રહેલા તણાવ અને સુધરી રહેલા સંબંધો વચ્ચે અમેરિકાના એક રિપોર્ટે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન'ના 2025ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ભારત સાથે સંબંધો સુધારવાનો ‘ઢોંગ’ કરી રહ્યું છે જેથી ભારત અને અમેરિકાની નિકટતા અટકાવી શકાય. આ રિપોર્ટ પર ચીને આકરી પ્રતિક્રિયા આપતા તેને ભારત-ચીન વચ્ચે વિખવાદ ઊભો કરવાનું અમેરિકી કાવતરું ગણાવ્યું છે.

રિપોર્ટમાં ચીનની વ્યૂહરચના પર ગંભીર સવાલો

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ(પેન્ટાગોન)ના વાર્ષિક રિપોર્ટમાં ચીનની વ્યૂહરચના પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, આ રિપોર્ટ અનુસાર, ચીન ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત થતી રોકવા માટે LAC પર તણાવ ઓછો કરવાનો લાભ લઈ રહ્યું છે. એકતરફ ચીન ભારત સાથે શાંતિની વાત કરે છે, તો બીજી તરફ પાકિસ્તાન સાથે લશ્કરી સહયોગ વધારી રહ્યું છે. આ ઉપરાંત ચીન હજુ પણ અરુણાચલ પ્રદેશને તેના 'કોર ઇન્ટરેસ્ટ'(મુખ્ય હિત)ના ભાગ તરીકે જુએ છે.

આ પણ વાંચો: 17 વર્ષ બાદ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ! ભારત માટે ખતરાની ઘંટી?


અમેરિકાને ચીનનો પલટવાર 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનએ એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાને ખખડાવતાં જણાવ્યું હતું કે, 'ચીન તેની સંરક્ષણ નીતિ પર પેન્ટાગોનની ટિપ્પણીઓનો સખત વિરોધ કરે છે. ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ એ દ્વિપક્ષીય મામલો છે. અમે આ મુદ્દે કોઈપણ ત્રીજા દેશના હસ્તક્ષેપ કે ટિપ્પણીનો વિરોધ કરીએ છીએ.'

ચીન ભારત સાથેના સંબંધોને લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી જુએ છે. બેઇજિંગ ભારત સાથે પરસ્પર વિશ્વાસ વધારવા અને સંબંધોને ફરી પાટા પર લાવવા માટે કટિબદ્ધ છે. ચીને આક્ષેપ કર્યો છે કે અમેરિકા એશિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પડોશી દેશો વચ્ચે ખાઈ ઊભી કરવાનું કામ કરી રહ્યું છે.

ભારતની સ્થિતિ

ભારત માટે આ રિપોર્ટ સતર્ક રહેવાનો સંકેત છે. ભલે ઑક્ટોબર 2024થી સરહદ પર ડિસએન્ગેજમેન્ટ (સેના પાછળ હટાવવી) પ્રક્રિયા શરુ થઈ હોય, પરંતુ અમેરિકાની આ ચેતવણી સૂચવે છે કે ચીનનો ઇરાદો માત્ર ‘વ્યૂહાત્મક શાંતિ’ પૂરતો હોઈ શકે છે. ભારત હાલમાં બંને મહાસત્તાઓ સાથે સંતુલન જાળવીને આગળ વધી રહ્યું છે.