શાંતિ માટે મળેલી બેઠક નિષ્ફળ રહી, યુક્રેને રશિયાને ગણાવ્યું જવાબદાર, કહ્યું- 'શરતો મજાક જેવી હતી'
Russia and Ukraine officials meet: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ બાદ પહેલીવાર તૂર્કીયેમાં આમને-સામને વાતચીત થઈ, પરંતુ આ મુલાકાત નિષ્ફળ નીવડી. યુક્રેને આ નિષ્ફળતા માટે સંપૂર્ણ રીતે રશિયાને જવાબદાર ગણાવ્યું અને કહ્યું કે, વાતચીતના ટેબલ પર રાખવામાં આવેલી રશિયાની શરતો ગંભીરતાથી ખૂબ દૂર અને બિલકુલ પણ વ્યાજબી ન હતી.
શુક્રવારે તૂર્કીયેના ઇસ્તામ્બુલમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ આમને-સામને બેઠા, પરંતુ બેઠક અંદાજિત બે કલાકથી પણ ઓછો સમય ચાલી. યુક્રેન તરફથી જણાવાયું છે કે રશિયાએ યુદ્ધવિરામના બદલામાં યુક્રેનને પોતાના જ વિસ્તારથી પાછળ હટવાની માગ કરી, જેને અશક્ય અને અસંવેદનશીલ ગણાવ્યું.
નામ ન છાપવાની શરતે યુક્રેનના અધિકારીઓએ રોયટર્સને કહ્યું કે, 'રશિયા જે વાતો પર ભાર આપી રહ્યું છે, તે આ હકીકતથી મેળ જ નથી ખાતી કે તેઓ અમારી જમીન પર કબજો કરી ચૂક્યું છે. તેમની વાતો ન તો રચનાત્મક છે, ન તો ગંભીર છે. લાગે છે કે તેમને વાતચીત નહીં, ટાઈમપાસ કરવો છે.'
ક્રેડિટ લેવા માગે છે ડોનાલ્ડ ટ્રમ્પ
આ વાતચીત પહેલા આશા ઓછી હતી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ તે વધુ નબળી કરી દેવાઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 'જ્યાં સુધી તેમની અને પુતિનની સીધી મુલાકાત નહીં થાય, ત્યાં સુધી કોઈ યોગ્ય પરિણામ શક્ય નથી.'
ઝેલેન્સકીએ વાતચીત પહેલા સ્પષ્ટ કહ્યું હતું કે, 'યુક્રેનની પહેલી પ્રાથમિકતા વગર શરતે, સંપૂર્ણ અને ઈમાનદાર સીઝફાયર છે. તેમણે ચેતવ્યા કે રશિયા તેના માટે તૈયાર ન થાય તો તેના પર વધુ કડક પ્રતિબંધ લગાવવા જોઈએ, ખાસ કરીને ઉર્જા અને બેન્કિંગ સેક્ટરમાં ખાસ પ્રતિબંધ હોય.'
રશિયાનું શું છે વલણ?
રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તેઓ પહેલા કહી ચૂક્યા છે કે તેઓ રાજકીય ઉકેલ ઇચ્છે છે, શરત વગર તેમની સુરક્ષા ચિંતાઓને સમજવામાં આવે. રશિયાને ડર છે કે યુદ્ધવિરામનો ફાયદો ઉઠાવીને યુક્રેન પશ્ચિમી હથિયારોથી ખુદને મજબૂત કરી દેશે.
પુતિને ઝેલેંસ્કી સાથે સીધી મુલાકાતનો ઈન્કાર કરી દીધો અને એક મધ્યમ સ્તરની ટીમ મોકલી. જવાબમાં યુક્રેને પણ એજ રેન્કવાળા પ્રતિનિધિઓને મોકલ્યા. તૂર્કીયેના વિદેશ મંત્રી હાકાન ફાદને બંને પક્ષેને સમજાવતા કહ્યું કે, 'એક રસ્તો શાંત તરફ છે, બીજો બરબાદી તરફ, નક્કી તમારે કરવાનું છે. પરંતુ વાતચીતમાં જે આક્રામકતા જોવા મળી, તેનાથી સ્પષ્ટ થાય છે કે શાંતિનો રસ્તો હજુ પણ ખુબ દૂર છે.'