સંસદને આગ લગાડી સત્તા ઉથલાવી : નેપાળમાં બેફામ ભ્રષ્ટાચાર સામે યુવકોનો આક્રોશ

- પરિવારવાદ, બેરોજગારી, ગરીબી, મોંઘવારી અને અંતે
- વડાપ્રધાન ઓલી, રાષ્ટ્રપતિ અને મંત્રીઓના રાજીનામાં : પૂર્વ પીએમ ઝાલનાથનાં પત્નીને જીવતા સળગાવાયાં, આર્મીની શાંતિની અપીલ સંસદ, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અનેક મંત્રીઓના ખાનગી આવાસ, કોમ્યુનિસ્ટ પાર્ટી, નેપાળ કોંગ્રેસના મુખ્યાલયો આગને હવાલે
કાઠમંડુ : હિમાલયન દેશ નેપાળમાં ૨૬ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં એનજીઓ હામી નેપાળના નેતૃત્વમાં યુવાનોનું આંદોલન 'જનરેશન ઝેડ' બીજા દિવસે વકર્યું હતું. સરકારે મંગળવારે યુવાનોની માગ સ્વિકારી સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી દીધા પછી આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેખાવોમાં ફેરવાયું હતું અને વધુ હિંસક બન્યું હતું. જેથી રાજધાની કાઠમંડુ સહિત સાત શહેરોમાં કરફ્યુ નંખાયો હતો, પરંતુ દેખાવકારોએ અનેક સરકારી અને ખાનગી ઈમારતોમાં આગ લગાવી દીધી હતી. વડાપ્રધાન કેપી શર્મા ઓલિ, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના રાજીનામા પછી પણ યુવાનો શાંત થયા નથી. દેખાવકારોએ હવે કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવા અને સંસદ ભંગ કરી ચૂંટણીની માગ કરી છે.
સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર પ્રતિબંધના વિરોધમાં સોમવારે શરૂ થયેલા યુવાનોના આંદોલનમાં પોલીસના ગોળીબારમાં ૧૯ લોકોનાં મોત અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી લઈને સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે નિષ્ક્રિયતા, પરિવારવાદ, નેતાઓના સંતાનોના વૈભવી જીવનથી જનતામાં અસંતોષ વધ્યો હતો, જેના પગલે દેખાવકારોમાં ભારે આક્રોશ ફેલાતા સોમવારે સમગ્ર નેપાળમાં યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. સમગ્ર દેશના અનેક મહત્વના શહેરોમાં પોલીસે કરફ્યુ નાંખ્યો હતો, પરંતુ દેખાવકારોની તેના પર કોઈ અસર થઈ નહોતી.
જનરેશન ઝેડ આંદોલન હેઠળ દેખવાકારોએ મંગળવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક વિસ્તારમાં આગજની, તોડફોડ અને પથ્થરમારો કર્યા હતા. યુવાનોએ માત્ર જાહેર સંપત્તિઓને જ નુકસાન નહોતું પહોંચાડયું, પરંતુ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, વડાપ્રધાન કેપી શર્મા ઓલી, ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ (પ્રચંડ) સહિત અનેક મંત્રીઓના ખાનગી આવાસો, સંસદ, કોમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળ કોંગ્રેસના મુખ્યાલય, સુપ્રીમ કોર્ટ, એટર્ની જનરલની ઓફિસ, સહિતની ઈમારતોને આગ લગાવી દીધી હતી. દેખાવકારોની હિંસાના પગલે કાઠમંડુનું એરપોર્ટ બંધ કરી દેવાયું હતું અને આખા શહેરને સૈન્યની છાવણીમાં ફેરવી દેવાયું હતું.
દેખાવકારોએ ભૂતપૂર્વ વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાનું ખાનગી ઘર સળગાવ્યું હતું. ઘરમાં તેમની તથા તેમનાં પત્ની તથા વર્તમાન વિદેશ મંત્રી આરઝુ દેઉબા સાથે મારપીટ કરી હતી. આ સિવાય નેપાળના અન્ય એક ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખાલનના ઘરમાં પણ તોડફોડ કરી આગ લગાવતાં તેમનાં પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને જીવતા સળગાવી દીધાં હતાં.
દેશભરમાં ઉગ્ર દેખાવોના પગલે સોમવારે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યા પછી મંગળવારે કૃષિ મંત્રી રામનાથ અધિકારી, સ્વાસ્થ્ય મંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા. જોકે, દેખાવકારોએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાની માગણી કરતાં હિંસક દેખાવો ચાલુ રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ નહીં હટાવવામાં આવે તેવું કહેનારા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે સવારે જ યુવાનોની માગો માની લેતાં ૨૬ સોશિયલ મીડિયા એપ્સ પરના પ્રતિબંધો દૂર કર્યા હતા અને બપોર સુધીમાં જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું.
પીએમ કેપી શર્મા ઓલીની સાથે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે યુવાનોને દેખાવો બંધ કરવા અપીલ કરી હતી. સેનાએ પણ દેખાવકારોને હિંસાનો રસ્તો નહીં અપનાવવા તેમજ કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે પણ યુવાનોને શાંતિ જાળવવા અને હિંસા બંધ કરવા અપીલ કરી હતી. યુવાનોએ દેશમાં વૈકલ્પિક સરકાર અને નવા નેતૃત્વની માગણી શરૂ કરી છે.








