પેરેમાઉન્ટ કેસની પતાવટ માટે ટ્રમ્પને 16 મિલિયન ડોલર આપવા તૈયાર
- કમલા હેરિસને પ્રભાવશાળી દર્શાવવાનો પ્રયાસ ભારે પડયો
- પતાવટનો વિરોધ કરનારા અધિકારીઓના રાજીનામા, અવરોધરહિત વિલિનીકરણ માટે પતાવટ કર્યાની માન્યતા
વોશિંગ્ટન : મીડિયાની સ્વતંત્રતા અને રાજકીય પ્રભાવ વિશે વિવાદ છેડતા પેરેમાઉન્ટ ગ્લોબલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાખલ કરાયેલા કેસની પતાવટ માટે ૧૬ મિલિયન ડોલર ચૂકવવાની સહમિત દર્શાવી છે. કેસમાં સીબીએસના ઓક્ટોબરમાં ૬૦ મિનિટ્સના ઈન્ટરવ્યુને તત્કાલિન ઉપ-પ્રમુખ કમલા હેરિસને તેમના ૨૦૨૦ પ્રચાર અભિયાન દરમ્યાન વધુ પ્રભાવશાળી દર્શાવીને મતદારોને ગેરમાર્ગે દોરવા ગેરવાજબી રીતે એડિટિંગ કરવાનો આરોપ કરાયો હતો. જો કે પેરેમાઉન્ટના શેરધારકોએ આ પતાવટનો વિરોધ કર્યો છે.
પેરેમાઉન્ટે કંઈ ખોટુ કર્યાનું નકાર્યું હતું પણ તેણે સ્પષ્ટતા કરી કે પતાવટની રકમ ટ્રમ્પને અંગત રીતે નહિ પણ તેમની ભાવિ પ્રેસિડેન્શિયલ લાયબ્રેરીને મળશે. ટ્રમ્પના વકીલોએ દાવો કર્યો હતો કે એડિટ કરાયેલા પ્રસારણને કારણે ટ્રમ્પને માનસિક ત્રાસ થયો હતો અને લોકોનું તેમના તેમજ તેમના સોશિયલ મીડિયા મંચ પ્રત્યેથી ધ્યાન ભટકી ગયું હતું. સીબીએસ અને પેરેમાઉન્ટે પ્રારંભમાં કેસ કાઢી નાખવાની માગણી કરતા દલીલ કરી હતી કે એડિટ ઈન્ટરવ્યુને સંક્ષિપ્ત કરવા કરાયું હતું, લોકોને ગેરમાર્ગે દોરવા નહિ.
ટ્રમ્પની ફરિયાદમાં કેન્દ્ર સ્થાને હતું ૬૦ મિનિટ્સ અને ફેસ ધી નેશન પર પ્રસારિત હેરિસના બે અલગ પ્રતિસાદની રજૂઆત જેમાં તેમણે એવો દાવો કર્યો કે એક જ સવાલના બે વિશિષ્ટ અલગ જવાબની છાપ રજૂ કરવામાં આવી હતી. સીબીએસએ જણાવ્યું કે બંને ક્લિપ એક જ લાંબા પ્રતિસાદનો હિસ્સો હતી જેને સ્પષ્ટતા માટે ટૂંકી કરવામાં આવી હતી.
પતાવટના હિસ્સા તરીકે સીબીએસએ સહમતિ દર્શાવી હતી કે ૬૦ મિનિટ્સ ભાવિમાં કાનૂની અથવા રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર પ્રમુખપદના ઉમેદવારોના ઈન્ટરવ્યુની ટ્રાન્સક્રિપ્ટ જાહેર કરશે. પતાવટ એવા સમયે થઈ છે જ્યારે પેરેમાઉન્ટના સ્કાયડાન્સ મીડિયા સાથે વિલિનીકરણના પ્રયાસ ચાલી રહ્યા છે જેમાં ટ્રમ્પ સાથે સંકળાયેલા અધિકારીઓની નિયામક મંજૂરી જરૂરી છે. નોંધનીય છે કે પતાવટનો વિરોધ કરી રહેલા સીબીએસ ન્યુઝ પ્રમુખ વેન્ડી મેકમોહન અને ૬૦ મિનિટ્સ કાર્યકારી પ્રોડયુસર બિલઓવેન્સ બંનેએ રાજીનામા આપી દીધા છે.
દરમ્યાન પેરેમાઉન્ટના શેરધારક ફ્રીડમ ઓફ ધી પ્રેસ ફાઉન્ડેશને આ પતાવટને પત્રકારિત્વની અખંડતા માટે હાનિકારક માનીને કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.