દરિયામાં હાહાકાર: 22 ભારતીય નાવિકો સાથે 2 જહાજો હાઇજેક! યમન અને સોમાલિયા તટ પર ચાંચિયાઓનો આતંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yemen Pirate Attack : અરેબિયન સમુદ્ર અને હોર્ન ઓફ આફ્રિકા નજીક સમુદ્રી ચાંચિયાગીરીની ઘટનાઓએ ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ અને ભારત સરકારની ચિંતામાં વધારો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાંચિયાઓએ 22 ભારતીય નાગરિકો સહિત 2 કોમર્શિયલ જહાજોનું અપહરણ (હાઈજેક) કરી લીધું છે. આ ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
યમન તટ નજીક તેલ ટેન્કર M.T. Sibu 1 નું અપહરણ
પ્રથમ ઘટનામાં, ઈરિટ્રિયાનો ઝંડો ધરાવતા તેલ ઉત્પાદક ટેન્કર 'M.T. Sibu 1' નું યમન તટથી આશરે 30 નોટિકલ માઈલ દૂર અદનની ખાડીમાં ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ જહાજ પર કુલ 20 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 16 સભ્યો ભારતીય નાગરિકો છે. બાકીના ક્રૂ મેમ્બર્સમાં સીરિયા, સુદાન અને ઈરાકના નાગરિકો સામેલ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ, હાલ તમામ 20 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની માહિતી છે, પરંતુ જહાજની વર્તમાન સ્થિતિ અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે.
સોમાલિયા નજીક શસ્ત્રોથી ભરેલા જહાજ M/V LUTUF પર કબજો
બીજી ઘટનામાં, સોમાલિયાના પુંટલેન્ડ તટ નજીક કેમરૂનના ઝંડાવાળા કાર્ગો જહાજ 'M/V LUTUF' ને ચાંચિયાઓએ પોતાના કબજામાં લઈ લીધું છે. આ જહાજ પર 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાંથી 6 ભારતીય નાગરિકો છે. આ જહાજ મોગાદિશુ સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે શસ્ત્રો, સંચાર અને સેટેલાઈટ ઉપકરણો લઈ જઈ રહ્યું હતું. આશરે 8 ચાંચિયાઓએ જહાજ પર કબજો જમાવી તેને નૂગાલ તટ તરફ વાળી દીધું છે.
સરકાર અને એજન્સીઓ હરકતમાં
આ ઘટનાઓ બાદ દરિયાઈ પ્રશાસન અને રિક્રૂટમેન્ટ એજન્સીઓ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ભરતી એજન્સીઓએ ભારતીય નાવિકોની તમામ વિગતો શિપિંગ ડાયરેક્ટોરેટને સુપ્રત કરી દીધી છે. ભારતીય નૌકાદળ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ હાઈજેક થયેલા જહાજો અને ભારતીય નાવિકોને સુરક્ષિત છોડાવવા માટે સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
જૂનો વિડિયો વાયરલ: હોર્મુઝની ખાડીમાં ટેન્શનનો ઈતિહાસ
આ ઘટનાઓ વચ્ચે, ધ ફોરવર્ડ સિમેન યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) એ એપ્રિલ મહિનાનો એક જૂનો વિડિયો જારી કર્યો છે. આ વિડિયો હોર્મુઝની ખાડીનો છે, જ્યાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની હોડીઓએ 21 ભારતીય ક્રૂ ધરાવતા પનામાના કન્ટેનર જહાજને ઘેરીને ફાયરિંગ કર્યું હતું. સદનસીબે તે સમયે તમામ ભારતીય નાવિકો ઉગરી ગયા હતા, પરંતુ હાલની ઘટનાઓએ દરિયાઈ માર્ગો પર વધતા ખતરાને ફરી સપાટી પર લાવી દીધો છે.









