જે અધિકારી લાંચ માંગે તેનુ માથુ ઈંટ મારીને ફોડી નાંખોઃ પાકિસ્તાનના આ મુખ્યમંત્રીની લોકોને વિચિત્ર સલાહ
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
પાકિસ્તાનમાં આમ જનતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓથી હેરાન પરેશાન છે ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અલી અમીને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે નવો ઉપાય બતાવ્યો છે.
અલી અમીને રાજ્યના ડેરા ઈસ્લામાઈલ ખાન વિસ્તારના એક ગામમાં સંબોધન દરમિયાન વિચિત્ર સલાહ આપતા કહ્યું કે, ‘જો કોઈ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો તેના માથામાં ઈંટ મારીને તેનું માથું ફોડી નાંખો. ઈંટ મારતી વખતે મારુ નામ લેશો તો પણ ચાલશે. લાંચ માંગનારાઓને શરમ આવવી જોઈએ. જે લોકો લાંચ માંગે છે તેમને સ્થળ પર જ સજા મળવી જોઈએ. લોકોએ લાંચિયા અધિકારીઓને કોર્ટ કચેરીના ચક્કર કાપ્યા વગર જાહેરમાં જ પાઠ ભણાવવો જોઈએ. મારી સરકારમાં ભ્રષ્ટાચાર સ્હેજ પણ ચાલી નહીં લેવાય અને હું એક પારદર્શક સિસ્ટમ ઊભી કરીશ.’
આ દરમિયાન તેઓ આટલેથી ના અટક્યા. તેમણે કહ્યું કે, ‘ઈસ્લામની શિક્ષા પ્રમાણે લાંચ હરામ ગણાય છે. લાંચ આપનારા અને લેનારાને નરકની સજા મળવી જોઈએ.’ જો કે ઉત્સાહમાં અલી અમીને લોકોને આવી સલાહ તો આપી દીધી છે પણ હવે તેમના નિવેદનની ટીકા પણ થઈ રહી છે. વિરોધીઓ દ્વારા હવે તેમના પર લોકોને ભડકાવવા અને ઉકસાવવા માટેનો આરોપ લગાવી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે, નાગરિકોને સ્થળ પર જ ન્યાય કરવા માટે હિંસાનો સહારો લેવા માટે મુખ્યમંત્રીએ પ્રોત્સાહન આપ્યું છે. તેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાશે અને બદલાખોરીને પ્રોત્સાહન મળશે.