Get The App

પાકિસ્તાન સામે મેદાને પડી છે બલુચ મહિલાઓ, આઝાદી માટે આત્મઘાતી બોમ્બર બનવા પણ તૈયાર

Updated: Mar 27th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન સામે મેદાને પડી છે બલુચ મહિલાઓ, આઝાદી માટે આત્મઘાતી બોમ્બર બનવા પણ તૈયાર 1 - image

Pakistan-Balochistan Dispute : બલુચિસ્તાનમાં આઝાદીની આગ હવે એટલી વિકરાળ બની ચૂકી છે. પાકિસ્તાન ગમે તેમ કરીને પણ તેને ડામી શકે એમ નથી. હાલમાં જ બલુચ બળવાખોરોએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ  પહેલા બલુચિસ્તાનના કલાત જિલ્લામાં પાકિસ્તાની સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ખાનાખરાબી મચાવી હતી એક આત્મઘાતી મહિલા બોમ્બરે! આ કોઈ એકલદોકલ કિસ્સો નથી, બલુચ વંશીય લઘુમતી મહિલાઓ વધુને વધુ માત્રામાં આત્મઘાતી બની રહી છે અને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી રહી છે.

કોણ હતી એ આત્મઘાતી મહિલા બોમ્બર? 

બલુચિસ્તાન લિબરશન આર્મી (BLA)એ આ અઠવાડિયે ખુલાસો કર્યો હતો કે તેમની એક મહિલાએ પાકિસ્તાની સૈન્યને નુકસાન પહોંચાડવા માટે પોતાની જાતને ઉડાવી દીધી હતી. ‘બાનુક મહિકાન બલોચ’ નામની એ મહિલા કોઈ અભણ સ્ત્રી નહોતી. તે વિજ્ઞાનમાં સ્નાતક હતી અને ‘મજીદ બ્રિગેડ’ની સભ્ય હતી. જાફર એક્સપ્રેસના અપહરણના એક અઠવાડિયા પહેલા 2 માર્ચના રોજ બાનુકે કલાતમાં ફ્રન્ટિયર કોર્પ્સ પેટ્રોલિંગ વાહનને નિશાન બનાવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ સુરક્ષા કર્મચારીને  ઈજા થઈ હતી. બાનુક ચાર વર્ષ પહેલાં BLAની મજીદ બ્રિગેડમાં જોડાઈ હતી.

ઓડિયો સંદેશમાં બાનુક શું બોલી હતી?

BLA દ્વારા બાનુકની ઓડિયો ક્લિપ જાહેર કરાઈ છે. તેમાં બાનુક મહિકાન બલોચ એવું કહેતી સંભળાય છે કે, ‘મારું બલિદાન હજારો બલોચ મહિલાઓ અને પુરુષોને પ્રેરણા પૂરી આપશે. મેં અમારી માતૃભૂમિની સ્વતંત્રતા માટે અને તેને સમૃદ્ધિ અપાવવા માટે મારા જીવનનું બલિદાન આપવાનું પસંદ કર્યું છે.’

પાકિસ્તાને જ બળવાખોરોને છંછેડ્યાનો મત 

રાજકીય નિષ્ણાતોના મતે, પાકિસ્તાન હંમેશા બલુચો પ્રત્યે દુર્વ્યવહાર જ રાખતું આવ્યું છે. દૂઝણી ગાય જેવા ખનીજ-સમૃદ્ધ બલુચિસ્તાનને ભાગે વિકાસના નામે દાયકાઓથી મસમોટું મીંડું જ આવતું હોવાથી બલુચ પ્રજા પાકિસ્તાનથી કંટાળી ગઈ છે. ‘આર યા પાર’ લડી લેવાના મૂડમાં આવી ગયેલા બલુચો હવે મહિલાઓને પણ લડાઈમાં સામેલ કરી રહ્યા છે.  પરિણામે આત્મઘાતી હુમલાનું પ્રમાણ વધવા લાગ્યું છે. તેમનું મુખ્ય લક્ષ્ય પાકિસ્તાની સૈન્ય અને ચીનના કર્મચારીઓ હોય છે.

આ પણ વાંચો : ઈજિપ્તમાં 44 પેસેન્જરને લઈ જતી સબમરિન દરિયામાં ગરકાવ, છ લોકોના મોત, 29નો આબાદ બચાવ

‘મજીદ બ્રિગેડ’માં મહિલા યોદ્ધાઓનો દબદબો 

બલુચિસ્તાનની આઝાદી માટે ખપી ગયેલા અસલમ બલોચે વર્ષ 2010 માં ‘મજીદ બ્રિગેડ’ની સ્થાપના કરી હતી, જેમાં જોડાયેલા નરબંકા પાકિસ્તાની સૈન્ય સામે આત્મઘાતી હુમલા કરતા. 2019માં અસલમની પત્ની યાસ્મીને બલુચિસ્તાનની મહિલાઓને આઝાદીના આંદોલનમાં જોડાવાની વિનંતી કરી. તેની હાકલ સાંભળીને અનેક મહિલાઓ મજીદ બ્રિગેડમાં જોડાઈ ગઈ. ફક્ત અભણ અને આદિવાસી મહિલાઓ જ નહીં ભણેલી-ગણેલી અને ઉચ્ચ વર્ગની મહિલાઓ પણ માથે કફન બાંધીને આઝાદીની લડતમાં ઉતરી પડી. બાનુક મહિકાન બલોચ એવી જ એક મહિલા હતી. 

પુરુષો ગુમ થયા તો મહિલાઓ પ્રગટ થઈ ગઈ!

બલુચ મહિલાઓ જીવ પર આવીને મોત સામે લડવા તૈયાર થઈ ગઈ એનું એક કારણ એ પણ ખરું કે લડતમાં જોડાયેલી અનેક મહિલાઓના પતિ અગાઉ પાકિસ્તાન સૈન્ય દ્વારા ક્યાં તો મારી નંખાયા હતા અથવા તો ગુમ કરી દેવાયા હતા. આ કારણસર બલુચિસ્તાનની આઝાદીની લડતમાં ઉતરેલા 5,000 જેટલા પુરુષોનો પાકિસ્તાની સૈન્યે ખાત્મો બોલાવી દીધો. આમ, આ બલુચ પરિવારો રખડી પડ્યા, પરંતુ આ પરિવારની મહિલાઓ પાકિસ્તાન સામે મેદાન-એ-જંગમાં ઉતરી પડી. 

વ્યવસાયે ડૉક્ટર ‘મહરંગ બલોચ’ અને પત્રકાર ‘શમ્મી દીન બલોચ’ જેવી મહિલાની દબંગાઈ જોઈને કે એમના ભાષણો સાંભળીને પણ સેંકડો બલુચ મહિલાઓ પાકિસ્તાન સામે હિંસક અને અહિંસક બંને પ્રકારની લડતમાં જોડાઈ ગઈ છે. 

અગાઉ પણ બલોચ મહિલાઓ આત્મઘાતી બોમ્બર બની ચૂકી છે

આત્મઘાતી બોમ્બર બની હોય એવી બાનુક મહિકાન બલોચ કંઈ પહેલી મહિલા નથી. એના અગાઉ પણ BLA માટે આવું કામ અન્ય મહિલાઓ કરી ચૂકી છે. અમુક કિસ્સા જોઈએ.

- એપ્રિલ, 2022માં માસ્ટર ડિગ્રી ધરાવતી બે બાળકોની 30 વર્ષીય માતા ‘શારી બલોચે’ કરાચી યુનિવર્સિટીમાં કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટની બહાર આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં ચીનના ત્રણ નાગરિકો અને એક પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. શારી બલોચ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતી હતી અને તેના પતિ ડૉક્ટર હતા.

- જૂન 2022માં ‘સુમૈયા કલંદરાની બલોચે’ બલુચિસ્તાનના તુર્બતમાં પાકિસ્તાની લશ્કરી કાફલાને નિશાન બનાવીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. સુમૈયા બલોચ પત્રકાર ‘રેહાન બલોચ’ની મંગેતર હતી. રેહાન BLA નો પહેલો આત્મઘાતી બોમ્બર હતો. 2018માં એક આત્મઘાતી હુમલામાં તેનું મોત થયું હતું.

પાકિસ્તાન માટે માથાનો દુખાવો વધ્યો

પાકિસ્તાનના સૈન્ય યુવાન બલુચ પુરુષો પર બાજ નજર રાખે છે કારણ કે, તેઓ સતત પાકિસ્તાન પર આત્મઘાતી હુમલા કરે છે. આ સ્થિતિમાં હવે મહિલાઓ દિશામાં પ્રવૃત્ત થતાં પાકિસ્તાન આકુળ વ્યાકુળ  થઈ ગયું છે કારણ કે, પુરુષોની સરખામણીમાં મહિલા પર શંકા કરવી, એની જડતી લેવી, એની ધરપકડ કરવી એટલું સરળ નથી હોતું.  

આ ઉપરાંત, પાકિસ્તાની સેના પડોશી ખૈબર પખ્તુનખ્વામાં તાલિબાન સામે પણ લડી રહી હોવાથી બલુચિસ્તાનનો મોરચો સંભાળવા માટે તેની સૈન્ય શક્તિ ઓછી પડી રહી છે.

બલુચિસ્તાને પણ કર્યો સેંકડો પાકિસ્તાનીઓનો સફાયો 

આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બલુચ આતંકવાદીઓ માટે કારગર હથિયાર સાબિત થયું છે. 2011થી લઈને અત્યાર સુધી તેમણે પાકિસ્તાનના ઓછામાં ઓછા 350 લોકોને આ રીતે મારી નાંખ્યા છે, જેમાં 15 જેટલા પાકિસ્તાની મહિલા આત્મઘાતી બોમ્બરોના હુમલામાં માર્યા ગયા છે.

2024 નું વર્ષ રહ્યું સૌથી ઘાતક

આત્મઘાતી વિસ્ફોટ ઉપરાંત અન્ય રીતે બલુચ હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાનીઓનો આંકડો હજારોમાં છે. એકલા 2024માં જ 685 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ BLA દ્વારા માર્યા ગયા છે. બલુચો સામેના વિગ્રહમાં પાકિસ્તાનને એક વર્ષમાં અગાઉ આટલી જાનહાનિ ક્યારેય નથી થઈ. હાલની સ્થિતિ જોતાં તો લાગે છે કે જીવ પર આવીને જિંદગીઓ ફનાફાતિયાં કરી રહેલા બલુચો પાકિસ્તાન પાસેથી આઝાદી લઈને જ જંપશે.

આ પણ વાંચો : રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન એકલું પડ્યું ? અમેરિકા બાદ NATO સૈન્ય મદદ કરવાના મૂડમાં નથી