- શસ્ત્રો ભરેલી કાર જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ
- પાક. મૂળના લુકમાન ખાનના ઘરે એફબીઆઈના દરોડા પ્રતિ મિનિટે 1200 રાઉન્ડ છોડી શકતી મશીનગન જપ્ત
વોશિંગ્ટન : અમેરિકામાં પાકિસ્તાનો મૂળનો અમેરિકના નાગરિક માસ શૂટિંગની ઘટનાને અંજામ આપવા જતો હતો ત્યારે જ પકડાઈ જતા ચકચાર મચી ગઈ છે. તે સ્કૂલના કેમ્પસમાં જ નરસંહારની ઘટનાને અંજામ આપવા જતો હતો. પાક.ના ૨૫ વર્ષના લુકમાન ખાનની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી કાર ભરીને શસ્ત્રો પોલીસે પકડયા હતા. એફબીઆઈ પણ આ કેસની તપાસમાં કૂદી પડી છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે તેનું ધ્યેય બધાને ખતમ કરવાનું હતુ અને શહીદી વહોરવાનું હતુ. ડેલવેર યુનિવર્સિટીના વિદ્યાર્થી ખાનની ૨૪ નવેમ્બરના રોજ ધરપકડ થઈ હતી. પોલીસે તેને પિક અપ ટ્રકમાંથી પકડયો હતો અને તેની તલાશી લેતા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો હતો. આ તપાસમાં ૩૫૭ કેલિબરની ગ્લોક હેન્ડગન ૨૭ રાઉન્ડ સુધી ગોળીબાર કરે તે સ્થિતિમાં જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત ત્રણ વધુ ૨૭ રાઉન્ડના લોડેડ મેગેઝિન હતા. આ ઉપરાંત લોડેડ ગ્લોક ૯ એમએમ મેગેઝિન, આર્મર્ડ બેલિસ્ટિક પ્લેટ જપ્ત કરવામાં આવી હતી.
લુકમાન ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેના જીવનનો મોટો હિસ્સો અમેરિકામાં જ પસાર થયો છે. આ સંજોગોમાં પણ તેના આ પ્રકારના હિંસક વલણે પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી છે. આ ધરપકડ પછી એફબીઆઈએ તેના વિલિંગ્ટન ખાતેના નિવાસ્થાને દરોડો પાડયો હતો. તેના ઘરે એઆર સ્ટાઇલની રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્લોક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. તેની સાથે ફુલી ઓટોમેટિક મશીનગનમાં રૂપાંતર થઈ શકે તેવું સાધન જપ્ત કરવામાં આવ્યું હતું, જે પ્રતિ મિનિટ ૧,૨૦૦ રાઉન્ડ છોડવા સમર્થ હતુ. આ ઉપરાંત ૧૧ એક્સ્ટેન્ડેડ મેગેઝિન જપ્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે બુલેટપ્રુફ જેકેટ પણ જપ્ત કરવામાં આવ્યુ હતુ, જેથી તે લાંબા સમય સુધી લડી શકે. તેના પર ૨૬ નવેમ્બરના રોજ ગેરકાયદેસર રીતે મશીન રાખવાનો આરોપ પણ નોંધાયો હતો. આ કેસની તપાસ એફબીઆઈ કરી રહી છે અને હાલમાં આરોપી જેલમાં છે.
અમેરિકાના મિસિસિપીમાં ગોળીબારમાં છનાં મોત
અમેરિકામાં મિસિસિપી સ્ટેટમાં ક્લે કાઉન્ટીમાં શુક્રવારે રાતે થયેલા ગોળીબારમાં છનાં મોત થયા છે અને અનેકને ઇજા થઈ છે. પોલીસે શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે, એમ સ્થાનિક ન્યૂઝ આઉટલેટે જણાવ્યું હતું. ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે જણાવ્યું હતું કે શંકાસ્પદને કસ્ટડીમાં લઈ લેવાયો છે, હવે કમ્યુનિટીને કોઈ ભય નથી. જો કે સ્કોટ અને શેરિફ વિભાગે બીજા સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું છે.સ્કોટે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે પીડિતોના કુટુંબ પ્રત્યે અમારી સંવેદના છે અને લોકોને પણ અપીલ છે કે તેઓ પીડિતો અંગે સંવેદના વ્યક્ત કરે. મિસિસિસીપમાં આવેલી ક્લે કાઉન્ટીની વસ્તી ૨૦ હજારની આસપાસ હોવાનું માનવામાં આવે છે.


