- ભારે તંગદિલી વચ્ચે પાક.-અફઘાન યુદ્ધ વિરામ
- પાકે. કહ્યું 48 કલાકનો યુદ્ધવિરામ અફઘાનિસ્તાનની વિનંતીથી કરવામાં આવ્યો તાલિબાનોએ કહ્યું, પાકિસ્તાને ભારપૂર્વક આગ્રહ કરતા યુદ્ધ-વિરામ જાહેર કરાયો
પેશાવર/ કાબુલ : પાકિસ્તાને કહ્યું કે, 'તાલિબાનોની વિનંતીથી યુદ્ધ વિરામ જાહેર કરાયો હતો, જ્યારે અફઘાનિસ્તાની તાલિબાન સરકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારપૂર્વક આગ્રહ કરતા અમારે યુદ્ધ-વિરામ જાહેર કરવો પડયો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સરહદી- સંઘર્ષમાં ટૂંકો યુદ્ધવિરામ તો જાહેર થયો પરંતુ તાલિબાનોએ તો તે યુદ્ધ વિરામને ઉત્વસમાં ફેરવી નાખતા હોય તેમ કાબુલમાં ઠેર ઠેર પાકિસ્તાની સૈનિકોના પેન્ટસ પ્રદર્શિત કરવા શરૂ કર્યાં.'
બુધવારે બંને દેશોના લશ્કરી અધિકારીઓએ જાહેર કર્યું હતું કે, તેઓ ટૂંક સમયના યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. ૪૮ કલાકનો આ યુદ્ધ વિરામ બુધવારે બપોરે એક વાગ્યાથી શરૂ થયો છે. આ સાથે પાકિસ્તાને કહ્યું કે, કાબુલની વિનંતીને લીધે આ યુદ્ધવિરામ જાહેર કરાયો હતો.
બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહીદે કહ્યું હતું કે, પાકિસ્તાનના 'આગ્રહ'ને લીધે આ યુદ્ધવિરામ જાહેર કરાયો છે. અમે અમારી ટુકડીઓને જણાવી દીધું છે કે યુદ્ધવિરામનો બરોબર અમલ કરજો. સિવાય કે સામા પક્ષ તરફથી આક્રમણ શરૂ થાય.
યુ.એન.ના માનવ અધિકારના વડા વોલ્કર તુર્કે આ યુદ્ધ-વિરામને આવકાર્યો હતો અને સાથે કહ્યું હતું કે, 'બંને પક્ષો તે બરાબર ધ્યાન રાખે કે નાગરિકોને કશી ક્ષતિ ન પહોંચે. સાથે લાંબા સમયના યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહે.'
કાબુલ પર તાલિબાનોએ ૨૦૨૧માં કબજો જમાવ્યા પછી હજી સુધીમાં પાકિસ્તાન સાથે તેમને થયેલો આ સૌથી વધુ ગંભીર સંઘર્ષ બની રહ્યો છે.
પાકિસ્તાને આક્ષેપ મૂક્યો છે કે, અફઘાન તાલિબાનો અફઘાનિસ્તાનમાં રહેલા તેમના આ આશ્રય સ્થાનોમાંથી હુમલા કરી રહ્યા છે. અફઘાનિસ્તાને તે આક્ષેપને રદીયો આપ્યો છે. જો કે, બંને વચ્ચે લડાઈ એટલી તીવ્ર બની હતી કે, બંને તરફે આર્ટિલરી તેમજ ટેન્કો મેદાનમાં ઉતાર્યા હતા.


