India-Pakistan Tensions : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને આ મામલે ફરી એકવાર નિષ્પક્ષ તપાસની માગ કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે રશિયાની ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ મામલે માગ કરી છે અને રશિયા અને ચીનને આ તપાસમાં સામેલ થવા અપીલ કરી છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા તપાસ કરેઃ ખ્વાજા આસિફ
ખ્વાજા આસિફે આ અંગે કહ્યું કે, ‘મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેઓ એક તપાસ કમિટી બનાવે, જે તપાસ કરે કે ભારત જૂઠું બોલી રહ્યું છે સાચું. કોઈ આંતરરાષ્ટ્રીય સમિતિએ જ આ મામલે તપાસ કરવી જોઇએ. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ આંતરરાષ્ટ્રીય તપાસની તરફેણમાં છે.’
‘અમારી સંડોવણીના પુરાવા આપો’
ખ્વાજા આસિફે આ મામલે વધુમાં કહ્યું કે, ‘તપાસ થવી જ જોઇએ કે ભારતમાં, કાશ્મીરમાં બનેલી ઘટના માટે કોણ જવાબદાર છે? અને કોણ તેને અંજામ આપી રહ્યું છે? માત્ર વાતો કે નિવેદનોનો કોઈ પ્રભાવ નથી. શું તેમની પાસે કોઈ પુરાવા છે કે પાકિસ્તાન આમાં સામેલ છે કે આ લોકોને પાકિસ્તાનનો ટેકો હતો? આ ફક્ત નિવેદનો છે, પોકળ નિવેદનો અને બીજું કંઈ નહીં.’
ચીને પાકિસ્તાનની માગ સ્વીકારી
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીન તરફથી સમર્થન મળ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, 'ચીન હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે. અમે આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરીએ છે. આતંકવાદ વિરુદ્ધ લડાઈ એ બધા દેશોની સહિયારી જવાબદારી છે.’
પહલગામ હુમલામાં 26 નિર્દોષોના મોત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદીઓએ પર્યટકોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. 2019 માં પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા સંગઠન ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જો કે, પછી TRFએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.


