પાક. અભિનેત્રી હુમૈરા અલીનો મૃતદેહ નવ મહિના સુધી ઘરમાં સડતો રહ્યો
- અભિનેત્રીએ આપઘાત કર્યો કે હત્યા થઈ તે અંગે રહસ્ય
- ગ્લેમર વર્લ્ડની કાળી બાજુ, મહિનાઓ સુધી કોઈએ અભિનેત્રીના ખબર ન પૂછ્યા : તેણે છેલ્લો ફોન ઓક્ટોબર-2024માં કર્યો હતો
કરાચી : પાકિસ્તાનની અભિનેત્રી હુમૈરા અસગર અલીનો મૃતદેહ તેના કરાચી સ્થિત ઘરમાંથી મળી આવ્યો હતો. શરીરના કેટલાય ભાગમાં માંસ બચ્યું ન હતું. મૃતદેહ સડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તારણ નીકળ્યું છે કે તેનું મૃત્યુ લગભગ નવ મહિના પહેલાં જ થઈ ગયું હતું. અભિનેત્રીએ આપઘાત કર્યો કે મર્ડર થયું તે હજુય રહસ્ય છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
કરાચીમાં ભાડાના ફ્લેટમાં રહેલી અભિનેત્રી હુમૈરા અસગર અલીના ઘરની વીજળી બિલ ન ભરવાના કારણે ઓક્ટોબર-૨૦૨૪માં કાપી નાખવામાં આવી હતી. એ સંદર્ભમાં કોર્ટના આદેશ બાદ પોલીસ અને કોર્ટના અધિકારીઓ ફ્લેટ ખાલી કરાવવા ગયા હતા. દરવાજામાં ટકોરા માર્યા તો કોઈ જવાબ આવ્યો નહીં. થોડી રાહ જોયા પછી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો તો એમાંથી ભયાનક બદબૂ આવતી હતી. સામે જ હુમૈરાની લાશ ફર્શ પર પડી હતી. એની લાશના હાડકા અડતાં જ વિખેરાઈ જતા હતા અને શરીરના ઘણાં ભાગમાં તો માંસ જ બચ્યું ન હતું. ડીએનએ એક્સપર્ટ્સને બોલાવીને સેમ્પલ લેવડાવ્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ડમ માટે મોકલી અપાયો હતો. મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે એનું પોસ્ટ મોર્ડમ પણ બરાબર થઈ શક્યું નહીં એટલે મોત ક્યા કારણથી થયું તેની જાણકારી મળી નહીં.
એના ફોનનો રેકોર્ડ તપાસ્યો તો જણાયું કે છેલ્લો ફોન ઓક્ટોબર-૨૦૨૪માં થયો હતો. છેલ્લે સપ્ટેમ્બરમાં તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. નવ મહિનાથી એ પરિવાર અને દોસ્તોના સંપર્કમાં ન હતી. ૨૦મી ઓક્ટોબરે તેની સ્ટાઈલિશે જે મેસેજ મૂક્યો હતો એ અનસીન હતો એના પરથી એવો અંદાજ લગાવાયો છે કે તેનું મૃત્યુ ઓક્ટોબરમાં જ થઈ ગયું હતું.
તે કરાચીના ફ્લેટમાં સાત વર્ષથી એકલી જ રહેતી હતી. પાડોશીઓના કહેવા પ્રમાણે ભાડું ન આપવાના બાબતે તેને મકાન માલિક સાથે ઝગડો થતો હતો. એ આડોશ-પાડોશમાં કોઈ સાથે ખાસ વાત કરતી ન હતી. ગ્લેમર વર્લ્ડની કાળી બાજુ એ છે કે છેલ્લાં નવ-નવ મહિનાથી કોઈએ તેનો સંપર્ક કરવાનો કે ઘરે જઈને ખબર-અંતર પૂછવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો ન હતો. તેના પરિવારે પહેલાં તો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ પોલીસની મધ્યસ્થી પછી તેના ભાઈ નાવીદ અસગર અલીએ કાયદાકીય પ્રક્રિયા કરીને મૃતદેહ સ્વીકાર્યો છે. મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.