ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને કશું મળશે નહીં, ગુમાવશે : પૂર્વ CIA ચીફ

- 2001માં ભારતના સંસદ ભવન પર હુમલો થયો ત્યારે બંને પરમાણુ સત્તાઓ યુદ્ધનાં કગાર પર આવી ગઈ હતી : જ્હોન કીર્યાકોવ
નવી દિલ્હી : અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થાના પૂર્વ વડા જ્હોન કીર્યાકોવે કહ્યું હતું કે, ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને કશું મળશે નહીં, ઉલટાનું ગુમાવશે. ૧૫ વર્ષ સુધી સીઆઈએના વડા તરીકે ફરજ બજાવેલા આ પીઢ નીતિજ્ઞાએ પત્રકારોને આપેલી મુલાકાતમાં આગળ કહ્યું હતું કે, ૨૦૦૧માં ભારતના સંસદ ભવન ઉપર હુમલો થયો ત્યારે એમ જ લાગતું હતું કે, બંને પરમાણું સત્તાઓ લડી પડશે. પરંતુ તેમ ન બન્યું.
અત્યારે જ્યારે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ખટરાગ ઉભો થઈ ગયો છે તે તબક્કે આ પીઢ વિશ્લેષણકારના કથનો ધ્યાનાર્ષક છે.
આ સાથે ઇસ્લામાબાદને સલાહ આપતા હોય તેમ તેઓએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો પાકિસ્તાનને કશું જ શબ્દશ: કશું જ મળે તેમ નથી. આ સાથે તેઓએ સ્પષ્ટતા પણ કરી હતી કે, અત્યારે હું પરમાણુ યુદ્ધની સંભાવનાની વાત કહેતો નથી પરંતુ તેટલું સ્પષ્ટ છે કે ભારતને ઉશ્કેરવાથી તેને (પાક.ને) કશું વળશે નહીં. ભારતે નિશ્ચાયાત્મક રીતે સરહદને પેલે પાર આક્રમણો કર્યા છે. તેમાં ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક્સ, ૨૦૧૯ની બાગલકોટ ઘટના પછી ભારતે કરેલા હુમલા અને પહેલગાંવ દુર્ઘટના પછી 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતે કરેલા પ્રચંડ પ્રહારો સમાવિષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીએ પણ ઈસ્લામાબાદને કહી દીધું છે કે તે 'ન્યુક્લિયર વોરફેર'નું બ્લેક મેઇલિંગ ચલાવી લેશે નહીં. પાકિસ્તાનની નેમ તો ભારતના શહેરોને નિશાન બનાવવાની હતી પરંતુ તેવું કશું કરી શક્યું નહીં.
તેમણે વધુમાં કહ્યું અમેરિકા જ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર કાબુ ધરાવે છે. અમેરિકાને ડીક્ટેટર્સને સહાય કરવી પસંદ પણ છે.









