ખાવા દાણો નથી છતાં યુદ્ધ મેદાનમાં ઉતરેલું પાકિસ્તાન હવે બીજા દેશો પાસે ભીખ માગે છે
- ભારતે કરેલા આક્રમણે પાકિસ્તાનના હોંશ ઉડાડી દીધા છે : ચીન હજી ચૂપ છે અમેરિકા કહે છે : તે યુદ્ધમાં અમે પડવા માગતા નથી તે બંને દેશોનો મામલો છે
નવી દિલ્હી : ભારતના વાયુદળ, ભૂમિદળ અને નૌકાદળે સંકલિત રીતે કરેલા પ્રચંડ હુમલાએ પાકિસ્તાનના હોંશ ઉડાડી દીધા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. પાકિસ્તાને ભારતના વિવિધ વિસ્તારો પર હુમલા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તે નાકામ બનાવ્યા હતા.
ભારતે પાકિસ્તાનનાં ૫૦થી વધુ ડ્રોન યુદ્ધ વિમાનો અને અનેક મિસાઇલ્સ બર્બાદ કર્યાં છે. ભારતીય ભૂમિદળ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કહેવાતા આઝાદ કાશ્મીરમાં ૬૦ કી.મી. સુધી અંદર ઘૂસી ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સંજોગોમાં પાકિસ્તાન હેરાન-પરેશાન થઈ ગયું છે. તેની 'એવોક-સીસ્ટીમ' પણ ખતમ થઈ ગઈ છે સાથે પૈસાની ભારે તંગી ઉભી થઈ છે. તેણે તેના મિત્ર દેશો પાસે 'ભીખ' માગવી શરૂ કરી છે. તે લોન મેળવવા ઝાંવા નાખે છે.
રશિયન અને ઇઝરાયલી મિસાઇલ્સ દ્વારા ભારતે તબાહી મચાવી દીધી છે. તેવે સમયે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે કહી દીધું છે કે, તે (યુદ્ધ) ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. અમે તેમાં પડવા માગતા નથી. આશા રાખીએ કે તે યુદ્ધ પરમાણુ યુદ્ધ ન બની રહે.
યાદ રહે કે ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે પાકિસ્તાનને સહાય કરવા તે સમયના અમેરિકાના પ્રમુખ રીચાર્ડ નિકસને બંગાળના ઉપસાગરમાં તેનું વિશાળ વિમાન વાહક જહાજ એન્ટરપ્રાઇઝ રવાના કર્યું હતું. એન્ટરપ્રાઇઝ હજી મલાક્કાની સમુદ્ર ધુનિમાં જ હતું અને બંગાળના ઉપસાગરમાં દાખલ થવા જતું હતું ત્યાં જ તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેનાએ સંપૂર્ણ કબ્જો જમાવી દીધો હતો અને ઢાકામાં રહેલા ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ ભારતના સૈન્ય સમક્ષ શરણાગતિ લીધી હતી. જે એક વિશ્વ વિક્રમ હતો. આ સમાચાર જાણી 'ધી-એન્ટરપ્રાઇઝ' પાછું ફર્યું, પરંતુ આ વખતે અમેરિકાએ પાકિસ્તાનને કોઈપણ પ્રકારની લશ્કરી કે આર્થિક સહાય પણ આપવા સ્પષ્ટ નકાર કરી દીધો છે.
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે વધુમાં જણાવ્યું હતું કે, 'આશા રાખીએ કે યુદ્ધ ફરી વ્યાપક ન બને અને તે પરમાણુ યુદ્ધમાં ન પરિણામે' પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, અમે તેમાં વચમાં પડવા માગતા નથી અમારે તે સાથે કશી લેવા-દેવા નથી.
બીજી તરફ ચીન અકળ મૌન આ યુદ્ધ વિષે સેવી રહ્યું છે સાથે નિયમાનુસાર બંને દેશોને શાંતિ રાખવા કહ્યું છે.
પાકિસ્તાન સરકારે તો સત્તાવાર પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજ પાસે રીતસર ભીખ માગતા લખ્યું છે કે શત્રુઓએ ભારે તબાહી કરી છે, તેથી પાકિસ્તાન સરકાર તેના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સને વધુ લોન આપવા વિનંતી કરે છે. આ યુદ્ધને લીધે અમારૂં શેર બજાર ભાંગી પડયું છે. આથી અમે અમારા આંતરરાષ્ટ્રીય મિત્રોને અમોને મજબૂત સાથ આપવા અપીલ કરીએ છીએ.
આ પોસ્ટ વર્લ્ડ વાઈડ વેબ પર મુકાતા કેટલાએ નેટિઝન્સે પાકિસ્તાનની ઠેકડી ઉડાડી હતી તે અલગ વાત છે.