Get The App

બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબુ, બીજી તરફ પાકિસ્તાનમાં પણ મોટો કાંડ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબુ, બીજી તરફ પાકિસ્તાનમાં પણ મોટો કાંડ 1 - image


Terrorist Attack In Pakistan : ભારતના બે પડોશી દેશો હાલ ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ઉસ્માન હાદીનું સિંગાપોરમાં મોત થયા બાદ દેશમાં દેખાવકારો હિંસાત્મક બની ગયા છે. અહીં અનેક વિસ્તારોમાં હત્યા, લૂંટફાટ, આગચંપી અને લિન્ચિંગની ભયાનક ઘટનાઓ શરુ થઈ ગઈ છે. આ ઉપરાંત મીડિયા સંસ્થાનો, સરકારી કેન્દ્રો અને નેતાઓના ઘરે પણ હુમલા થઈ રહ્યા છે. તો બીજીતરફ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થતાં હાહાકાર મચી ગયો છે. રિપોર્ટ મુજબ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠને ફરી સુરક્ષા દળો પર હુમલો કર્યો છે, જેમાં પાકિસ્તાનના ચાર જવાનના મોત થયા છે.

હુમલામાં ચાર પાકિસ્તાની સૈનિકોના મોત

મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વાના વઝીરિસ્તાન જિલ્લાના બોયા વિસ્તારમાં સુરક્ષા દળોના કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં ચાર પાકિસ્તાની સૈનિકોના મોત થયા બાદ સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપી ચાર આતંકવાદીને ઠાર કર્યા હોવાનો દાવો કરાયો છે. પાકિસ્તાની આર્મીની મીડિયા શાખાના અધિકારીએ કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ટીટીપીના આતંકવાદીઓએ સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો છે અને કેમ્પની બહારના ભાગની સુરક્ષાને તોડવાનો પ્રયાસ કર્યો છે. જોકે સુરક્ષા દળોએ આતંકવાદીઓની હરકતોને નિષ્ફળ બનાવી દીધી છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ તાબડતોબ એક્શન, 7 આરોપીઓની ધરપકડ

આતંકીઓએ વિસ્ફોટકો ભરેલું વાહન અથડાતાં ભયાનક બ્લાસ્ટ

અધિકારીએ કહ્યું કે, ‘આતંકવાદીઓ વિસ્ફોટકો ભરેલું એક વાહન લઈને આવ્યા હતા અને તે વાહનને કેમ્પની બહારની દીવાલ પર અથડાવ્યું હતું, જેમાં દીવાલ ધરાશાયી થવાની સાથે મોટો વિસ્ફોટ થયો છે. ધડાકો એટલો ભયંકર હતો કે, આસપાસના વિસ્તારોને મોટાપાયે નુકસાન થયું છે. વિસ્ફોટમાં એક મસ્જિદ અને અનેક રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું છે. હુમલામાં બાળકો-મહિલાઓ સહિત 15 નાગરિકોને ઈજાઓ પણ થઈ છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેમ્પ પર હુમલા બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

અફઘાનની જમીન પર ષડયંત્ર રચીને હુમલો કરાયો : પાકિસ્તાન

પાકિસ્તાની આર્મીની મીડિયા શાખાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની આર્મી પર આતંકી હુમલો કરવા માટે અફઘાનિસ્તાનની જમીન પર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન સક્રિય ન હોવાના તાલિબાન સરકારે કરેલો દાવો પાયાવિહોણા છે. ઘટના પાકિસ્તાને અફઘાનિસ્તાનના ડેપ્યુટી હેડ ઑફ મિશનને તેડું મોકલ્યું છે અને હુમલાને લઈને કડક વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર પાસે આશા રાખી છે કે, તેઓ પોતાની જવાબદારી નિભાવે અને આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ ન થવા દે.

આ પણ વાંચો : દવાના ભાવ ઘટાડો નહીંતર...: ટ્રમ્પનું નવું ફરમાન, ભારતના ફાર્મા સેક્ટર પર પડશે સીધી અસર