ભાંગ વેચીને દેશ ચલાવશે ઈમરાન ખાન, પાકિસ્તાનના પહેલા ખેતરનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા મંત્રી
- પ્રત્યેક પાકિસ્તાની નાગરિકના માથે પહેલેથી જ 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું
નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર
પાકિસ્તાનની કંગાળિયત હવે ખુલીને સામે આવી રહી છે. સરકાર હવે પૈસા એકઠા કરવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહી છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ દેશના પહેલા ભાંગના ખેતરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય અને ખાસ કરીને પાકિસ્તાન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (PCSIR)ને સન્માનિત કર્યા હતા.
કરોડો ડોલર કમાવાનું સ્વપ્ન
ભાંગ એક માદક પદાર્થ છે પરંતુ વિશ્વમાં અનેક જગ્યાએ તેનો ઉપયોગ મેડિકલ તરીકે પણ કરવામાં આવે છે. પાકિસ્તાન સરકાર ભાંગની ખેતીને પ્રોત્સાહિત કરવા માગે છે જેથી તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચીને ભારે કમાણી કરી શકાય. ફવાદ ચૌધરીએ ટ્વીટમાં લખ્યું હતું કે, આ પરિયોજનાને આગળ વધતી જોવી ખૂબ જ આનંદની વાત છે. પાકિસ્તાન કરોડો ડોલરના ભાંગ ઉદ્યોગમાં મહત્વનું ભાગીદાર બનવા જઈ રહ્યું છે.
ઓગષ્ટ મહિનામાં સામે આવેલા સમાચાર પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી 2.75 બિલયન ડોલરની લોન લીધી હતી. ભારતીય રૂપિયામાં તે રકમ 20 હજાર કરોડ કરતા પણ વધારેની કહી શકાય. પ્રત્યેક પાકિસ્તાની નાગરિકના માથે પહેલેથી જ 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે તેવામાં નવા નવા દેવા કરીને ઈમરાન ખાન દેશની હોડી ડૂબાડવાના રસ્તે છે.