પાકિસ્તાન બંધારણમાં ફેરફાર કરી આસિમ મુનીરની સત્તા વધારશે, કમાન્ડર ઓફ ડિફેન્સ ફોર્સિઝ બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Asim Munir News : પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શાહબાઝ શરીફ સરકારે સેનાને વધુ સત્તા આપવા માટે બંધારણમાં મોટા ફેરફારની પ્રક્રિયા શરૂ કરી છે. શનિવારે પાકિસ્તાનની સંસદમાં 27મો બંધારણીય સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ' (CDF) નામના એક નવા અને અત્યંત શક્તિશાળી પદની રચના કરવાનો છે. માનવામાં આવે છે કે આ પદની જવાબદારી પાકિસ્તાનના વર્તમાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સોંપવામાં આવશે, જે તેમને દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવશે.
શા માટે નવા પદની જરૂર પડી?
આ નવું પદ બનાવવા માટે પાકિસ્તાન સરકાર બંધારણના અનુચ્છેદ 243માં સુધારો કરી રહી છે. સરકારનો તર્ક છે કે આ પગલું સેનાની ત્રણેય પાંખો (ભૂમિ સેના, નૌકાદળ અને વાયુસેના) વચ્ચે વધુ સારા તાલમેલ અને સંકલન માટે જરૂરી છે. CDFની રચના બાદ ત્રણેય સેનાઓ એક જ સિંગલ કમાન્ડ હેઠળ કામ કરશે. આ બિલ મુજબ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીની સલાહ પર CDFની નિમણૂક કરશે અને આર્મી ચીફને જ સામાન્ય રીતે આ પદ સોંપવામાં આવશે.
'ઓપરેશન સિંદૂર'માં હારનું પરિણામ?
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અને સંરક્ષણ નિષ્ણાતો અનુસાર, આ મોટા ફેરફાર પાછળનું મુખ્ય કારણ મે 2025માં ભારત સાથે થયેલી સૈન્ય અથડામણ છે, જેને 'ઓપરેશન સિંદૂર' તરીકે ઓળખવામાં આવે છે. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કર્યું હતું. આ ચાર દિવસીય સંઘર્ષમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને સૈન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના F-16 સહિત ડઝનબંધ લડાકુ વિમાનોને નષ્ટ કરી દીધા હતા. આખરે, ભારે નુકસાન બાદ પાકિસ્તાને યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી.
આ હાર બાદ પાકિસ્તાન સરકારે આર્મી ચીફ અસીમ મુનીરને 'ફીલ્ડ માર્શલ'ના પદ પર બઢતી આપી હતી. હવે, તેના થોડા મહિનાઓ બાદ, બંધારણમાં સુધારો કરીને તેમને CDF બનાવીને ત્રણેય સેનાના પ્રમુખ બનાવવાની તૈયારી ચાલી રહી છે, જે પાકિસ્તાનની ભવિષ્યની સૈન્ય રણનીતિમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.









