- પત્રકારો અને મોટાં રાજકારણીઓની ગતિવિધિઓ પર પાકિસ્તાન સરકારની બારીક નજર
- વિદેશી ખાનગી કંપનીઓના ઉપકરણોનો ઉપયોગ કરી નાગરિકોની બધી ડિજિટલ પ્રવૃત્તિઓ પર જાપ્તો રખાય છે
Pakistan News : પાકિસ્તાની સત્તાવાળાઓ પત્રકારો અને અગ્રણી રાજકારણીઓ સહિત લાખો સામાન્ય નાગરિકો પર સામૂહિક જાપ્તો રાખે છે અને વિદેશી ખાનગી કંપનીઓના ઉપકરણો દ્વારા તેમના નાગરિકોની તમામ ઓનલાઇન પ્રવૃત્તિઓ પર બારીક નજર રાખે છે તેમ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે તેના અહેવાલ શેડોઝ ઓફ કન્ટ્રોલ: સેન્સરશિપ એન્ડ માસ સર્વિલિયન્સ ઇન પાકિસ્તાનમાં જણાવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે નાગરિકો પર જાસૂસી કરવાની પ્રણાલિ સ્થાપિત કરવા માટે પાકિસ્તાની લશ્કરે ચીની અને પશ્ચિમના દેશોની એમ બંને ટેકનોલોજીઓનો બહોળો ઉપયોગ કર્યો છે.
આ પ્રોજેક્ટ માટે વિવિધ સંસ્થાઓ સાથે મળી એક વર્ષ લાંબી તપાસને અંતે એમ્નેસ્ટીએ તેના અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે પાકિસ્તાનની શક્તિશાળી ગેરકાયદે સામૂહિક જાસૂસીનું કામ જર્મની, ફ્રાન્સ, યુએઇ, ચીન, કેનેડા અને યુએસની કંપનીઓ વચ્ચે પ્રવર્તતી કડીઓને કારણે સરળ બની રહ્યું છે. સશસ્ત્ર દળો અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ-આઇએસઆઇ- દ્વારા લોફૂલ ઇન્ટરસેપ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ-એલઆઇએમએસ- દ્વારા પાકિસ્તાનના નાગરિકોની ડિજિટલ પ્રવૃત્તિઓ પર બારીક નજર રાખવામાં આવે છે. નવી ફાયરવોલ વેબ મોનિટરિંગ સિસ્ટમ-ડબલ્યુએમએસ 2.0દ્વારા તમામ ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે છે. આ સિસ્ટમ માં વપરાતી ટેકનોલોજી જર્મન કંપની અલ્ટિમાકો પાસેથી અમિરાતી કંપની ડેટાફ્યુઝન દ્વારા મેળવવામાં આવેલી છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના મહામંત્રી એગ્નેસ કાલામાર્ડે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વેબ મોનિટરિંગ સિસ્ટમ અને એલઆઇએમએસ વોચટાવરની જેમ કામ કરે છે. તેઓ સામાન્ય પાકિસ્તાની નાગરિકોના જીવન પર સતત નજર રાખે છે. પાકિસ્તાનમાં તમારી ઇમેઇલ, ફોનકોલ્સ અને ઇન્ટરનેટના જોડાણ એમ તમામ વ્યવસ્થા પર નજર રાખવામાં આવે છે પણ લોકોને ખબર સુદ્ધાં નથી કે તેમની પર સતત નજર રાખવામાં આવે છે. આ વાસ્તવિકતા એટલા માટે ભયંકર છે કે તે ગુપ્ત રીતે કામ કરી અભિવ્યક્તિને રુંધે છે અને માહિતીના સ્રોત પર તેની પક્કડ જમાવી રાખે છે. પાકિસ્તાનની પ્રજાને આકરી કિંમત ચૂકવવી પડી રહી છે.
પાકિસ્તાની ટેલિકમ્યુનિકેશન્સ નેટવર્કસ ઓથોરિટી દ્વારા એલઆઇએમએસને સંચાર નેટવર્કમાં ખાનગી કંપનીઓ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. જેને કારણે સશસ્ત્ર દળો અને આઇએસઆઇને નાગરિકોનો તમામ પ્રકારનો ડેટા મળી રહે છે. જેમાં ફોન કોલ્સ, ટેકસ્ટ મેસેજ અને લોકો કઇ વેબસાઇટ જુએ છે તે સુદ્ધાંની સરકારને જાણ થઇ જાય છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ટેકનોલોજિસ્ટ જુર વાન બર્ગેને જણાવ્યું હતું કે આ બધી જાસૂસીની સિસ્ટમ્સ જાહેર નાણાં દ્વારા બેસાડવામાં આવેલી છે અને તેનો ઉપયોગ ભિન્નમતને દબાવવા માટે કરવામાં આવે છે જેને કારણે પાકિસ્તાની લોકોના માનવ અધિકારોને મોટું નુકશાન થાય છે. ડબલ્યુએમએસ વેબ 2.0 દ્વારા ઓથોરિટી વીપીએનને પણ બ્લોક કરી શકે છે અને લોકો કઇ સાઇટ જુઍે છે તેની માહિતી પણ સરકારને આપે છે. કમનસીબી એ છે કે દેશની કાનુની વ્યવસ્થામાં આ સામૂહિક જાસૂસી સામે રક્ષણ આપે તેવી કોઇ જોગવાઇ પણ નથી. આ જાસૂસી વ્યવસ્થા દ્વારા સરકાર કોઇપણ સમયે તેમના ચાળીસ લાખ કરતાં નાગરિકોની એકસાથે જાસૂસી કરી શકે છે.
ડબલ્યુએમએસ 2.0ને બેસાડી તેને ઓપરેટ કરવાનું કામ યુએસની નિયાગ્રા નેટવર્કસ અને ફ્રાન્સની થેલ્સ દ્વારા પુરા પાડવામાં આવેલા સોફ્ટવેર અને હાર્ડવેર દ્વારા થાય છે જ્યારે ફાયરવોલ ચીન દ્વારા વિકસાવી બેસાડવામાં આવેલી છે. ચીન દ્વારા તેની અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.


