પાકિસ્તાનનું નવું તરકટ : શાહબાઝ સરકારે અસીમ મુનીરને પ્રમોશન આપી ફિલ્ડ માર્શલ બનાવ્યા
Pakistan Army chief Gen Asim Munir promoted to Field Marshal : પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના 11 એરબેઝ પણ નષ્ટ કરી દીધા છે. આ તમામ ઘટનાક્રમોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનના ટોચના નેતાઓએ પણ કબૂલ્યું છે કે, તેઓ આતંકવાદીઓને આશરો આપી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ સામે આવ્યા બાદ વિશ્વભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ છે, જોકે તેમ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવતું નથી અને આ જ ક્રમમાં તેણે સેનાના અધ્યક્ષ અસીમ મુનીરનું પ્રમોશન કર્યું છે.
પાકિસ્તાનની કેબિનેટે મુનીરને ફીલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી
તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે ભારે તણાવ થયો હતો, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનની કેબિનેટે આજે (20 મે) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
અગાઉ અયૂબ ખાનને ફિલ્ડ માર્શલની પોસ્ટ અપાઈ હતી
પાકિસ્તાની સશસ્ત્ર દળોમાં ફિલ્ડ માર્શલની પોસ્ટ સર્વોચ્ચ માનવામાં આવે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં જનરલ અસીમ મુનીર બીજા ફિલ્ડ માર્શલ બની ગયા છે. આ પહેલા અયૂબ ખાનને 1959-1967 દરમિયાન ફિલ્ડ માર્શલની પોસ્ટ અપાઈ હતી.
મુનીર મામલે પાકિસ્તાનમાં આંતરીક વિવાદ
એક સમય હતો કે જે પાકિસ્તાનમાં આર્મી સામે કોઈ ચું કે ચા કરી શકતા ન હતા તેના સ્થાને હવે આર્મીની ટીકા થવીએ કમજોરીની નિશાની છે. પાકિસ્તાન આર્મીના પ્રમુખ અસીમ મુનીર સામે રાજકીય દળોમાં પણ જબરદસ્ત ગુસ્સો જોવા મળે છે. તેમની પાર્ટીના ફવાદખાન, ઉમર અયૂબખાન, મહમૂદખાન અચકઈ મુનીરને ટાર્ગેટ કરતાં રહે છે. થોડા દિવસે પહેલા પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મુનિર આઉટ નામનો ટ્રેંડ ચાલી રહ્યો હતો, જેના માટે ઇમરાનખાનની પાર્ટી પીટીઆઇ(પાકિસ્તાન તહરિકે ઇન્સાફ)ને જવાબદાર ગણવામાં આવે છે. મુનીરને હટાવો, ઇમરાનખાનને મુકત કરો અને પાકિસ્તાન બચાવો વગેરે નારાઓ પીટીઆઇના ઓફિશિયલ હેન્ડલ પર જોવા મળે છે.
અસીમ મુનીર કોણ છે?
અસીમ મુનીર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે. આર્મી ચીફ બનતાં પહેલા તેઓ GHQમાં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે તહેનાત હતા. મુનીરે 1986માં લશ્કરી કારકિર્દી શરુ કરી હતી અને હવે 2025માં ફિલ્ડ માર્શલ બન્યા છે. તેમને નિશાન-એ-ઇમ્તિયાઝ, હિલાલ-એ-ઇમ્તિયાઝ અને સ્વોર્ડ ઑફ ઓનર(પાકિસ્તાન)થી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત