Pakistan Saudi Arebia Defense Agreement: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 17 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયાના એરસ્પેસમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમને શાહી એસ્કોર્ટ મળ્યું હુતં. સાઉદી ફાઇટર જેટ એફ-15 તેમના સ્વાગત માટે આવ્યું હતું. પાકિસ્તાની પીએમઓએ આ અંગે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ગર્વ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ કરાર પણ થયો છે. જેની ચર્ચા ભારત સહિત સમગ્ર વિશ્વમાં છે.
પાકિસ્તાન-સાઉદીના કરારથી ચર્ચા શરુ
પાકિસ્તાન અને સાઉદી વચ્ચે સંરક્ષણ કરાર થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, જો પાકિસ્તાન ભારતની જમીન પર પહલગામ જેવા આતંકી હુમલો કરે તો, સાઉદી કોને સમર્થન આપશે? ભારતે પહેલાંથી જ પાકિસ્તાન સમર્થિત કોઈપણ આતંકી ઘટનાને એક્ટ ઑફ વૉર તરીકે લેવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન ભવિષ્યમાં આ પ્રકારનું દુઃસાહસ કરશે તો સાઉદી અરેબિયા કોની પડખે ઊભું રહેશે, તેવા સવાલો પણ ઉઠ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે નવી સિક્યોરિટી ગેરેંટી સંકેત આપે છે કે, પાકિસ્તાન કે સાઉદી અરેબિયા બંનેમાંથી કોઈ એક પર પણ હુમલો થાય તો તે બંને પર હુમલો થયો ગણાશે. અથવા બંને દેશ સાથે મળી હુમલાનો જવાબ આપશે.
બંને દેશ વચ્ચે સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રિમેન્ટ
સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગઈકાલે બુધવારે રિયાધમાં ડિફેન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનું નામ સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રિમેન્ટ છે. જેનો અર્થ થાય છે કે, કોઈપણ દેશ પર કરવામાં આવેલો હુમલો બંનેની વિરુદ્ધ માનવામાં આવશે. રિયાધના યમામા પેલેસમાં એક બેઠક દરમિયાન કરાર પર હસ્તાક્ષરની જાહેરાત કરવામાં આવી હતી. આ કરાર બંને દેશોને પોતાની સુરક્ષા વધારવા અને ક્ષેત્ર તથા વિશ્વમાં સુરક્ષા-શાંતિ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બંને દેશો વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપ વિકસિત કરવા તેમજ આક્રમણ વિરુદ્ધ સંયુક્ત પ્રતિરોધને મજબૂત બનાવશે.
પાકિસ્તાન PMOએ આપી માહિતી
પાકિસ્તાન PMOએ આ અંગે જણાવ્યું હતું કે, આ કરાર ઈસ્લામાબાદ અને રિયાધ વચ્ચે લગભગ આઠ દાયકાથી ચાલી રહેલી ઐતિહાસિક પાર્ટનરશીપ છે. ભાઈચારો અને ઈસ્લામી એકજૂટતાનું બંધન છે. સંયુક્ત વ્યૂહનીતિ અને ઘનિષ્ઠ સંરક્ષણ સહયોગના આધાર પર કરાર કર્યો છે. જેની જોગવાઈ છે કે, કોઈ એક દેશની વિરુદ્ધ કોઈપણ પ્રકારનો હુમલો થાય તો તે બંને દેશો વિરુદ્ધ ગતિવિધિ ગણવામાં આવશે.
ભારતે શું કહ્યું
ભારતના વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવ્યું હતું કે, અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિરતા પર અસરનો અભ્યાસ કરીશું. સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. બીજી બાજુ ભારતના સાઉદી સાથે આર્થિક અને વ્યૂહનીતિ આધારિત સંબંધો છે. 2024માં બંને દેશો વચ્ચે 52 અબજ ડૉલરથી વધુનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. સાઉદી ભારતમાં રોકાણ વધારી રહ્યું છે.


