ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હટાવ્યાં, ISIના પ્રમુખને સોંપી કમાન
Pakistan New NSA | પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સુરક્ષાના દૃષ્ટિકોણથી સતત કોઈને કોઈ પગલાં લઈ રહ્યું છે. દરમિયાન 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં નવા સભ્યો ઉમેર્યા અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન પાકિસ્તાને પણ હવે ગભરાટમાં પોતાના નવા NSA ની પણ નિમણૂક કરી દીધી છે.
કોને બનાવ્યાં નવા NSA?
અહેવાલ મુજબ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર 2024 માં ISI ના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને NSA નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
કોણ છે આસીમ મલિક
ISI ના વડા બનતા પહેલા આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કાનૂની અને શિસ્તબદ્ધ બાબતો સહિત લશ્કરી વહીવટી બાબતોનું નિરીક્ષણ કરતા હતા. અહેવાલ અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.