Get The App

પાકિસ્તાનમાં પૂરના કારણે ભારે વિનાશ, 154ના મોત, મોટી સંખ્યામાં લોકો ગુમ

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં પૂરના કારણે ભારે વિનાશ, 154ના મોત, મોટી સંખ્યામાં લોકો ગુમ 1 - image


Pakistan Floods & Landslides: છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 154 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થઈ છે, જ્યાં વાદળ ફાટવા અને જોરદાર પ્રવાહના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ અને માળખાકીય નુકસાન થયું છે.

સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બુનેર જિલ્લામાં 75, મનસેહરામાં 17 અને બાજૌર અને બટાગ્રામ જિલ્લામાં 18-18 લોકોના મોત થયા છે. લોઅર ડીરમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને ચાર ઘાયલ થયા છે, સ્વાતમાં ચાર અને શાંગલામાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA) ના પ્રવક્તા ફૈઝીએ શુક્રવારે PTI-ભાષાને જણાવ્યું હતું કે, ગુરુવાર રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદ અને પૂરમાં બાળકો સહિત 125થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે ગુમ થયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે.

રાહત અને બચાવ કામગીરી ઝડપી કરાઈ

બાજૌર જિલ્લા ઇમરજન્સી ઓફિસર (DEO) અમજદ ખાનના નેતૃત્વમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાન આર્મીની ટીમો સ્વાત અને બાજૌરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ સક્રિય છે, જ્યાં લોકોને ડૂબેલા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અમીન અલી ગંદાપુરે રાહત કામગીરીમાં તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનના ઘીઝર જિલ્લામાં અચાનક પૂરમાં આઠ લોકો મૃત્યુ પામ્યા અને બે અન્ય ગુમ થયા. પૂરમાં એક ડઝનથી વધુ ઘરો, અનેક વાહનો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો તણાઈ ગયા. નીલમ ખીણમાં પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, જ્યારે રત્તી ગલી તળાવ નજીક ફસાયેલા 600 થી વધુ પ્રવાસીઓને રસ્તો તૂટી જવાને કારણે ત્યાં રહેવાની સલાહ આપવામાં આવી.

પુલ અને ઘરો તણાયા, પરિસ્થિતિ ગંભીર

લવાટ નાળા અને જાગરણ નાળા ઓવરફ્લો થવાને કારણે ત્રણ પુલ ધોવાઈ ગયા. ઝેલમ ખીણના પલહોટ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તાના એક ભાગને નુકસાન થયું અને ડઝનબંધ વાહનો ફસાયા. મુઝફ્ફરાબાદ જિલ્લાના સરલી સચ્ચા ગામમાં ભૂસ્ખલનમાં કાટમાળ નીચે દટાઈ જવાથી એક જ પરિવારના છ સભ્યોના મોતની આશંકા છે. સુધનોતી જિલ્લામાં એક યુવક નાળામાં વહી ગયો હતો અને બાગ જિલ્લામાં એક મહિલાનું ઘર તૂટી પડતાં તેનું મોત થયું હતું.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશભરમાં 325 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 142 બાળકોનો સમાવેશ થાય છે. સંવેદનશીલ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વિસ્થાપનનો ખતરો છે, જ્યારે હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Tags :