ચીનને સમર્થન ભારે પડશે, પાક વિદેશ વિભાગે PM ઇમરાનને ચેતવ્યા
ઇસ્લામાબાદ, 4 જુલાઇ, 2020 શનિવાર
ચીનનાં ભારત સામેનાં આક્રમક વલણ તથા કોરોના વાયરસનાં વિશ્વવ્યાપી ફેલાવાનાં કારણે સમગ્ર વિશ્વમાં ચીન વિરૂધ્ધ વિવિધ દેશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને હવે તેની અસર ચીનનાં ગાઢ મિત્ર દેશ પાકિસ્તાન પર પણ થઇ છે.
દેશના વિદેશ વિભાગે ચીનના સમર્થન અંગે વડાપ્રધાન ઇમરાન ખાનને સીધી ચેતવણી આપી છે. વિદેશ વિભાગે સીધી ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું બંધ નહી કરે તો તેને વૈશ્વિક સ્તરે અલગતાનો સામનો કરવો પડશે. તાજેતરમાં જ ચીનના કહેવા પર પાકિસ્તાને લદ્દાખની સરહદ પર તેના સૈનિકોની તહેનાતીમાં વધારો કર્યો છે.
વિદેશ વિભાગે કહ્યું કે ભારત અને કોરોના સંકટને કારણે ચીન આંતરરાષ્ટ્રીય ટીકાઓનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન ચીન સાથેની તેની નીતિઓની સમીક્ષા નહીં કરે તો તે વિશ્વની આર્થિક મહાસત્તાના આક્રોશને ઉશ્કેરશે. આ મહાસત્તાઓ ભારત સાથેની તંગદીલી બાદ વૈશ્વિક સ્તરે ચીનને અલગ પાડવાનું કામ કરી રહી છે.
અમેરિકા સહિત યુરોપના ઘણા દેશો ચીનની વિસ્તૃતવાદી નીતિઓ અને કટ્ટરપંથીઓનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન અને બ્રિટને પાકિસ્તાની એરલાઇન્સની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ચીનને આંખ આડા કાન કરનારા પાકિસ્તાને પહેલો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાને યુરોપિયન દેશોને ખાતરી આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા કે તેની પાસે યોગ્ય પાયલોટ છે પરંતુ આ દેશોએ પોતાનો નિર્ણય બદલ્યો નહી.
ચીન વિરૂદ્ધ માત્ર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ ઉગ્ર વિરોધ છે. અહીંના નાગરિકોનો દાવો છે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં સ્થાનિક નાગરિકોને કોઈ ભાગીદારી આપવામાં આવી નથી. જ્યારે અહીંથી રિસોર્સનું ભારે શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ચીનથી સસ્તા કામદારો બોલાવાયા છે. ચીન અહીંની પરંપરાઓનું સન્માન પણ નથી કરી રહ્યું.
પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું કે,”સમાન પડકારોનો સામનો કરવા બંને દેશો વચ્ચે એકબીજાને ટેકો આપવાની પરંપરા છે.” ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વચ્ચે કુરેશીએ શુક્રવારે તેના ચીની સમકક્ષ વાંગ યી સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમા મુખ્ય ચર્ચા લાઇન ઓફ એક્ચુલ કંટ્રોલ (એલએસી)ની લાઇન પરની પરિસ્થિતિ પર હતી.
પાકિસ્તાને ફરીથી ‘વન ચાઇના’ નીતિને સમર્થન આપ્યું છે અને કહ્યું હતું કે તે ‘હોંગકોંગ, તાઇવાન, તિબેટ અને સિનજિયાંગમાં’ ચીનને સમર્થન આપે છે. બીજી તરફ વડાપ્રધાન ઇમરાન ખાને પણ દાવપેચ શરૂ કરી દીધા છે. તેમણે ટોચના સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓની બેઠક બોલાવી જેનો એજન્ડા ભારત-ચીન સરહદ વિવાદની આસપાસ જ હતો.