કિમ જોંગના દેશમાં દૂતાવાસ શરુ કરવાની તૈયારીમાં પાકિસ્તાન? જાણો ભારતને કેમ પડશે વાંધો

Pakistan Embassy In South Korea: પાકિસ્તાન ઉત્તર કોરિયામાં ફરી પોતાનું દૂતાવાસ શરૂ કરવા વિચારી રહ્યું છે. આ સંદર્ભે પાકિસ્તાનને પ્યોંગયાંગમાંથી એક સંદેશ પણ મળ્યો છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અને ચીન સહિત અનેક દેશ પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ ભારત પણ અનેક વખત પાકિસ્તાન અને ઉત્તર કોરિયા વચ્ચે સંદિગ્ધ પરમાણુ સંબંધોનો મુદ્દો ઉઠાવતો રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ખાતરી કરી છે કે, ઈસ્લામાબાદને કિમ જોંગ ઉનના શાસન હેઠળના ઉત્તર કોરિયા પાસેથી એક સંદેશ મળ્યો છે, જેમાં ડિપ્લોમેટિક મિશન શરૂ કરવા ભલામણ થઈ છે. કોવિડ બાદથી ઉત્તર કોરિયામાં પાકિસ્તાનનું દૂતાવાસ બંધ છે. વર્તમાન પ્રસ્તાવ પર હાલ વિચારણા થઈ રહી છે.
ડારે સંસદમાં પુછવામાં આવેલા સવાલમાં ગત મહિને કહ્યું હતું કે, ડીપીઆરકે (ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા) પર લાગુ અનેક પ્રતિબંધોના કારણે બે દેશોમાં સહયોગ શક્ય નથી. પાકિસ્તાન અને ડીપીઆરકે વચ્ચે વેપાર પણ ઓછો છે. પાકિસ્તાન શાંતિપૂર્ણ માર્ગ પૈકી કોરિયાનું સમર્થન મેળવવા પ્રયાસ ચાલુ રાખશે.
ભારતને વાંધો
વર્ષ 2017માં નવી દિલ્હીએ પ્યોંગયાંગના નેટવર્કની ઔપચારિક તપાસની માગ કરી હતી. 2022માં ભારતે યુએન સિક્યોરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે, અમારા ક્ષેત્રમાં ડીપીઆરકેના પરમાણુ અને મિસાઈલ ટેક્નોલોજીની વધતી સંખ્યા પર તાત્કાલિક ધોરણે વાત કરવાની જરૂર છે. આ પ્રકારની ગતિવિધિઓ ભારત સહિત અન્ય દેશોની શાંતિ અને સુરક્ષાને અસર કરે છે.
ટ્રમ્પનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ દાયકા બાદ પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ ફરી શરૂ કરવાની યોજના જાહેર કરી હતી. આ યોજનાને તેમણે યોગ્ય ઠેરવતાં કહ્યું કે, પાકિસ્તાન અને ચીન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. વધુમાં ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની બેઠક પહેલાં જાહેરાત કરી હતી કે, અમેરિકા હરિફ શક્તિઓ સાથે સમાન ધોરણે પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરશે. ટ્રમ્પે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને પાકિસ્તાનને પરમાણુ હથિયારનું પરિક્ષણ કરનારો દેશ ગણાવ્યો હતો.

