- અમેરિકા ઇરાન અંતરીમ શાંતિ સમજૂતીએ વિશ્વ રાજકારણમાં નવો બદલાવ લાવી દીધો છે તે માટે કતારે સાચી ભૂમિકા ભજવી છે
નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં તંગદિલી ખત્મ કરવામાં અને ઇરાન અમેરિકા યુદ્ધ બંધ કરવામાં એક નાના એવા દેશ કતારે જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાન તેમ છતાંયે ડીંગ મારી રહ્યું છે કે તેણે સમજૂતી સધાવી છે. તે કહે છે કે ઇસ્લામાબાદમાં ઇરાન અમેરિકા વચ્ચે થયેલી મંત્રણાને લીધે શાંતિ-સમજૂતી સાધી શકાઈ છે પરંતુ સત્ય હકીકત તે છે કે તે મંત્રણા પછી પણ ઇરાને કોઈ સ્પષ્ટતા જ કરી ન હતી. કારણ કે તેને પાકિસ્તાન ઉપર જ વિશ્વાસ નથી. તે માને છે કે પાકિસ્તાન સદાયે અમેરિકા પરસ્ત જ રહ્યું છે.
એપ્રિલમાં ઇસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઇ તો બીજી તરફ ટ્રમ્પે ઇરાનના પ્રસ્તાવને કચરો કહી દીધો પછી શાંતિ-મંત્રણા ફરી યોજાવાની સંભાવના જ દેખાતી ન હતી ત્યારે કતારના વરીષ્ઠ મંત્રણાકારો અલિ અલ થબાડીએ અને હમદ અલ કુબૈસીની ટીમે ગુપ્ત રીતે તહેરાનની મુલાકાત લીધી હતી. ત્યારે અમેરિકાની બોમ્બવર્ષા અને ઇરાનના વળતાં જવાબો વચ્ચે તે બંને મધ્ય તહેરાનમાં ફસાઈ ગયા હતા. છતાં તેમને યુદ્ધ રોકવા માટેની રૂપરેખા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. કતારે તેની સાથે સઉદી અરબસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓને પણ રાખ્યા. કતારના શેખ તમીમ બિન હમદ અલથાનીએ તે બધાને સાથે રાખી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી મંત્રણા કરી. તેથી તેમણે હુમલા બંધ કરી દીધા.
તેઓએ તહેરાનમાં પણ ૧૭ કલાક સુધી મેરેથોન બેઠક કરી. ચતુર રાજનીતિ અપનાવતાં ઇરાનના અગ્રણીઓને કહ્યું કે જો, ટ્રમ્પના ૮૦મા જન્મદિને યોજાનારા વિશેષ કાર્યક્રમ પહેલાં સમજૂતી નહીં સાધો તો અમેરિકી હુમલાઓનું જોખમ નાટકીય રીતે વધી જશે. ત્યારે ઇરાની અધિકારીઓએ તે સમજૂતીના ડ્રાફ્ટ શબ્દોમાં ફેરફાર કરવાની વાત કરતાં કતારના પ્રતિનિધિઓએ મંત્રણામાંથી ખસી જવાની ધમકી આપતાં આખરે ઇરાન શાંતિ મંત્રણા માટે તૈયાર થયું.


