પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ: વિસ્ફોટ થતાં જાફર એક્સપ્રેસ પલટી, અનેક લોકોના મોતની આશંકા
Pakistan Blast News : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં મંગળવારે (23 સપ્ટેમ્બર) જાફર એક્સપ્રેસમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. આ ભયાનક વિસ્ફોટથી ટ્રેન પાટા પરથી ઉતરીને પલટી ગઈ હતી. આ અકસ્માતને કારણે ગભરાટમાં મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. નોંધનીય છે કે, થોડા કલાકો પહેલા જ પાકિસ્તાની સૈન્યના જવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
જાફર એક્સપ્રેસમાં ભયાનક વિસ્ફોટ
મળતી માહિતી મુજબ, ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. અકસ્માતની તસવીરો અને દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, જાફર એક્સપ્રેસનો એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત અને પાટા પરથી ઉતરી ગયો હતો. મહિલાઓ અને બાળકો કોચની અંદર ફસાયેલા હતા અને સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.
પાકિસ્તાનના સૈન્ય જવાનો પર હુમલો
નોંધનીય છે કે, થોડા કલાકો પહેલા આ જ વિસ્તારમાં રેલ્વે ટ્રેક સાફ કરી રહેલા પાકિસ્તાનના સૈન્ય જવાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રદેશમાં એક જ દિવસમાં આ પ્રકારની બીજી ઘટના છે. પહેલા સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, અને હવે એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ પછી સુરક્ષા દળો અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જોકે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા અથવા નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.