ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાનને બદનામ કરાય છે, પરંતુ અમેરિકી રાજકારણીઓ ઈઝરાયેલ પાસેથી ખુલ્લી લાંચ લે છે
- પાક. સંરક્ષણ મંત્રીનાં આંચકાજનક વિધાનો
- અમારી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરાય છે, પરંતુ અમેરિકામાં તો ભ્રષ્ટાચાર સંસ્થાકીય બની રહ્યો છે : આસીફ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આજે આંચકાજનક વિધાનો કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઉપર ભ્રષ્ટાચાર ફેલાવવાના આક્ષેપો કરાય છે, પરંતુ નક્કર વાસ્તવિકતા તે છે કે, અમેરિકાના રાજકારણીઓ ઈઝરાયલ પાસેથી જબ્બર લાંચ લેતા હોય છે અને તે પણ ખુલ્લે આમ. પાકિસ્તાનને ખોટી રીતે બદનામ કરાય છે તેવા વિધાનો કરતાં પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે એક મુલાકાતમાં વધુમાં કહ્યું હતું કે, અમેરિકામાં તો રાજકીય પક્ષને અનુદાન આપવાનું કહી ભ્રષ્ટાચારને સંસ્થાકીય (ઇન્સ્ટીટયુશનાઇઝડ) બનાવી દેવાયો છે.
પાકિસ્તાનના રાજકારણીઓ અને સરકારમાં રહેલાઓ તથા સરકારી તંત્ર ઉપર પણ પારદર્શિતાના અભાવે અને ભ્રષ્ટાચારના વિદેશના અગ્રણીઓ દ્વારા કરાતા આક્ષેપોનો જવાબ આપતા ખ્વાજા આસીફે વળતા પ્રહારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગષ્ટ મહિનામાં પોર્ટુગલ જવા માટે પાકિસ્તાનના અર્ધોઅર્ધથી વધુ રાજકારણીઓએ કાળા નાણાંનો ઉપયોગ કર્યો હતો.
તે પોસ્ટ ઉપર જ તેઓએ પંજાબના પૂર્વ મંત્રી ઉસ્માન બુઝદર ઉપર કાળા નાણાનો ઉપયોગ કરી પાકિસ્તાન છોડી દેવાનો આક્ષેપ કર્યો હતો.
ખ્વાજા આસીફનાં આ વિધાનો તેવે સમયે આવ્યા છે કે આ વર્ષના જૂન મહિનામાં જ ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ઉપર ભ્રષ્ટાચાર અંગે આરોપો મુકાયા હતા. જેને પ્રમુખ ટ્રમ્પે વિચ-રન્ટ કહી આડકતરી રીતે નેતન્યાહૂનો બચાવ કર્યો હતો.
ખ્વાજા આસીફે આવા આંચકા જનક વિધાનો કંઈ પહેલી જ વાર કર્યા નથી. ઓપરેશન-સિંદૂર પછી તેઓ ખોટે ખોટી માહિતીઓ ફેલાવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને પાંચ ભારતીય વિમાનો તોડી પાડયા હતાં અને તેનો ભંગાર કાશ્મીરમાં પડયો હતો. પરંતુ જ્યારે એન્કરે તેને પૂછયું કે તે વિમાનો તોડી પાડવા, કયા શસ્ત્રાશાસ્ત્રો વાપરયા હતાં અને તે વિમાનોનો ભંગાર કેમ મળ્યો ન હતો. ત્યારે આસીફ કશો જવાબ આપી શકયા ન હતા. આમ જૂઠ્ઠાણાં ફેલાવવામાં આસીફ નં.૧ છે.